પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૨૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦ મું
જેને રામ રાખે
 

સત્યાગ્રહ કરવાનો પણ સમય આવ્યો નથી. બારડોલીએ હજી તાવણીમાંથી પસાર થવાનું છે. જો છેવટની તાવણીમાંથી એ નીકળશે અને સરકાર છેલ્લી હદ સુધી જશે તો સત્યાગ્રહને હિંદુસ્તાનમાં ફેલાતો અટકાવવાની અથવા બારડોલી સત્યાગ્રહનો હેતુ સંકુચિત છે તેને બદલે વિસ્તૃત થતો અટકાવવાની વલ્લભભાઈની કે મારી મકદુર નથી. પછી તો સત્યાગ્રહની મર્યાદા એ કેવળ આખા દેશની આત્મબલિદાન અને કષ્ટસહનની શક્તિથી બંધાશે. જો એ મહાપ્રયોગ આવવાનો જ હશે તો તે સ્વાભાવિક રીતે જ આવશે, અને તેને ભલો ભૂપ પણ અટકાવી શકવાનો નથી. પણ સત્યાગ્રહનું રહસ્ય હું જે રીતે સમજું છું તે રીતે તો શ્રી. વલ્લભભાઈ અને હું સરકારની ગમે તેટલી ઉશ્કેરણી છતાં બારડોલી સત્યાગ્રહને તેની મૂળ મર્યાદામાં જ રાખવાને બંધાયેલા છીએ — પછી ભલેને એ ઉશ્કેરણી એ મર્યાદા ઓળંગવાનું વાજબી ઠરાવે એટલી બધી હોય. સાચી વાત એ છે કે સત્યાગ્રહી સદાયે માને છે ઈશ્વર તેનો સાથી છે. ઈશ્વર તેને દોરી રહ્યો છે. સત્યાગ્રહીઓનો નેતા પોતાના બળ ઉપર નથી ઝૂઝતો, પણ પ્રભુના બળ ઉપર ઝૂઝે છે. તે અંતરાત્માને વશ વર્તે છે. એટલે ઘણીવાર બીજાને જે શુદ્ધ વ્યવહાર લાગે છે તે તેને ઇંદ્રજલ લાગે છે. હિંદુસ્તાન ઉપર, આજે તુમુલમાં તુમુલ લડત ઝઝૂમી રહી છે તે ઘડીએ આવું લખવું મૂર્ખાઇભરેલું અને સ્વપ્નદર્શી લાગે. પણ મને જે ઊંડામાં ઊંડું સત્ય લાગે છે તે જો હું પ્રગટ ન કરું તો દેશના અને મારા આત્માનો હું દ્રોહી બનું. જો બારડોલીના લોકો વલ્લભભાઈ માને છે એવા સાચા સત્યાગ્રહી હોચ તો સરકાર ગમે તેટલાં શસ્ત્ર ધરાવતી હોય તોપણ બધું કુશળ જ છે. જોઈએ છીએ શું થાય છે. માત્ર સમાધાનીમાં રસ લેનારા ધારાસભાના સભ્યોને અને બીજાઓને મારી વિનંતિ છે કે બારડોલીના લોકોને બચાવવાની આશામાં તેમણે એકે ભૂલભરેલું પગલું ન ભરવું. જેને રામ રાખે તેનો કોઈ વાંકો વાળ કરી શકવાનું નથી.”

જરા વધારે ધીરજ રાખત અને જરા વધારે હિંમત બતાવત તો ધારાસભાના સભ્યો ચૂપ બેસી રહી જે થવાનું હોત તે થવા દેત. ઉપર અમે જણાવ્યો છે તે ઉપરાંત તેમણે કશો જ જવાબ ગવર્નરને ન આપ્યો હોત તો આકાશ તૂટી પડવાનું નહોતું. ખરી વાત તો એ છે કે સરકાર જ સમાધાનીને માટે આતુર હતી અને પગલાં લઈ રહી હતી. ગવર્નરના ભાષણ પછી તુરત જ શ્રી. રામચંદ્ર ભટ્ટ નામના મોતાના રહીશ અને મુંબઈના વેપારીએ

૨૪૫