પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૨૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 


સરકારને નવા મહેસૂલ અને જૂના મહેસૂલના તફાવત જેટલી રકમ ભરી દેવાની માગણી કરી. જોકે પ્રથમ તો ‘તમારી માગણી સૂરતના સભ્યો દ્વારા આવવી જોઈએ ’ એમ તેમને સરકાર તરફથી કહેવામાં આવ્યું તોપણ પાછળથી જે બન્યું તે ઉપરથી સમજી શકાય છે કે એ ભાઈને ઊભા કરનાર પણ સરકારના કોઈ આડતિયા હતા, અને એમની પાસેથી પૈસા આવ્યા ત્યારે તે કોના તરફથી આવ્યા તેના પ્રપંચમાં પડવાની સરકારને કશી પડી નહોતી.

ગમે તેમ હોય, ધારાસભાના સભ્યની ભડક ભાંગી નહિ. તેઓ ગવર્નરને મળ્યા, સરકારના કારભારીમંડળને મળ્યા. આ લોકોએ એની એ જ વાત તેમની આગળ કરી. શ્રી. કનૈયાલાલ મુનશી, જે સર ચુનીલાલ મહેતાની સાથે મસલત ચલાવી રહ્યા હતા તેમને લાગ્યું કે ગાંધીજી અને વલ્લભભાઈ પાસેથી જાણી લેવું કે કેટલાથી તેઓ સતોષાય એમ છે. એટલે શ્રી. મુનશી ગાંધીજી અને શ્રી. વલ્લભભાઈની મુલાકાતે ગયા, અને તેમની પાસેથી નીચેનો ખરડો મેળવ્યો :

૧. તપાસ જાહેર થાય કે જૂનું મહેસૂલ ભરવું.

૨. સત્યાગ્રહીઓએ તપાસ જાહેર થાય કે તરત જ જૂનું મહેસૂલ ભરી સત્યાગ્રહ બંધ કરવો.

૩. તપાસ સ્વતંત્ર ન્યાયપુરઃસર થવી જોઈ એ, અને તે કરનાર કાં તો ન્યાયખાતાનો અમલદાર કે તેની સાથે કોઈ રેવન્યુ ખાતાનો અમલદાર હોય, અને તે તપાસના મુદ્દા નીચે પ્રમાણે હોય, અને લોકોને વકીલ મારફત પુરાવો આપવાની અને સરકારના સાક્ષીઓની ઊલટતપાસ કરવાની જરૂર લાગે તો તેમ કરવાનો તેમને અધિકાર હોય :

બારડોલી અને વાલેડના લોકોની નીચેની બે ફરિયાદો તપાસીને તેની ઉપર રિપોર્ટ કરવો :

(૧) તાલુકામાં થયેલો મહેસૂલનો વધારો જમીનમહેસૂલના કાયદાને અનુસાર નથી;

(૨) એ મહેસૂલ વધારા વિશે જે રિપોર્ટ અને જાહેરનામાં બહાર પડ્યાં છે તેમાં વધારાને વાજબી ઠરાવવાને લાયક સામગ્રી નથી અને કેટલીક હકીકત અને આંકડા ખોટા છે;

અને જો લોકોની ફરિયાદ સાચી હોય તો જૂના મહેસૂલ ઉપર કેટલા ટકા વધારવા કે ઓછા કરવા તેની ભલામણ કરવી;

૨૪૬