પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૨૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



૩૧
સત્યાગ્રહનો જયજયકાર

“મારે સરકારનું ખોટું દેખાય એવું કરવું નથી. એવું કરવામાં રાજી થનારો હું નથી. પણ એ જ રીતે પ્રજાનું નીચું દેખાડવાનો સરકારનો ઇરાદો હોય તો તે પણ હું નથી થવા દેવાનો.”

ગાંધીજી બારડોલીમાં ડેરો નાંખી બેઠા હતા ત્યારે શ્રી. વલ્લભભાઈને રાવ સાહેબ દાદુભાઈનું પૂનાથી તેડું આવ્યું, ગુજરાતના સભ્ય તરફથી એ તેડાનો તાર હતો; અને તેમાં સર ચુનીલાલ મહેતાના અતિથિ થવાનો પણ વલ્લભભાઈને આગ્રહ હતો, એટલે સર ચુનીલાલની સૂચનાથી નહિ તો તેમની સંમતિથી એ તેડું આવ્યું હતું એમ કહેવામાં વાંધો નથી. શ્રી. વલ્લભભાઈને મુંબઈપૂનાના ‘ધરમધક્કા’ એટલા બધા થયા હતા કે તેમને જવાનું જરાયે મન નહોતું, પણ સમાધાની થતી જ હોય તો તે તેમની અશ્રદ્ધાથી અથવા તેમના ન જવાથી અટકે નહિ એટલા ખાતર તેઓ ગયા. સાથે સાથે તારથી રા. સા. દાદુભાઈને જણાવ્યું : ‘છાપાં વગેરેમાંથી તો કોઈની કંઈ કરવાની દાનત હોય એવું દેખતો નથી, છતાં ગુજરાતના સભ્યોના બોલાવ્યા આવવું જોઈએ એટલે આવું છું.’

૩ જી અને ૪ થી ઑગસ્ટે સર ચુનીલાલ મહેતાને ત્યાં શું બન્યું તે બધું આપવું શક્ય નથી, શક્ય હોય તોપણ આપવું શોભે એમ નથી. પણ મુખ્ય હકીકત સંક્ષેપમાં સૌના ન્યાયની ખાતર અને સત્યની ખાતર આપવી જોઈએ. સરકારને ખબર પડી ગઈ હતી કે અલ્ટિમેટમ તો તેણે સૂરતના સભ્યને આપ્યું હતું, પણ છેવટે સુલેહ કરવાની હતી તો શ્રી. વલ્લભભાઈ સાથે. સૂરતના સભ્યો અને

૨૫૦