પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૨૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સત્યાગ્રહનો જયજયકાર
 

 સાથે કામ કરી રહેલા બીજા સભ્યોએ આખર સુધી કશું વચન આપવાની અથવા શ્રી. વલ્લભભાઈને કશા વચનથી બાંધવાની ના જ પાડી, એ વસ્તુ એમને શોભાવનારી હતી. સર ચુનીલાલને. ત્યાં વાટાઘાટો ચાલ્યા કરતી હતી ત્યારે જ સૌને લાગી ગયું હતું કે સમાધાન કરવાની ઉત્કંઠા સૂરતના સભ્ય કરતાં સરકારની એાછી નહોતી, પણ સરકારનો હાથ ઊંચો રહે એવી કંઈક શબ્દજાળ શોધવાની ભાંજગડ જરા જબરી હતી. એક સીધો સાદો ખરડો શ્રી. વલ્લભભાઈએ તૈયાર કર્યો, પણ તે સર ચુનીલાલને પસંદ ન પડ્યો. તેઓ સરકારના બીજા સભ્યોની સાથે ચર્ચા કરી રહ્યા હતા. રાત્રે તેઓ એક કાગળનો ખરડો લઈને આવ્યા, જે સૂરતના સભ્યો સરકારને લખે એવી તેમની સૂચના હતી :

“અમને કહેવાને આનંદ થાય છે કે અમે સરકારને ખબર આપવાની સ્થિતિમાં છીએ કે નામદાર ગવર્નરે તેમના ૨૪ મી જુલાઈના ભાષણમાં કહેલી શરતો પૂરી કરવામાં આવશે.”

વલ્લભભાઈએ કહ્યું : ‘જે સભ્યો આ કાગળ ઉપર સહી કરશે તે શી રીતે એમ કહી શકે કે શરતો પૂરી કરવામાં આવશે, જ્યારે તપાસસમિતિ નીમવામાં આવે એ પહેલાં એ શરતો તો પૂરી કરવાની છે ? એમણે તો એમ કહેવું જોઈએ ના કે શરતો પૂરી કરવામાં આવી છે ? અને એ એ લોકો શી રીતે કહી શકે, કારણ શરતો પૂરી કરવાની તો અમારે છે ? અને અમે તો આ તપાસસમિતિ ન મળે ત્યાં સુધી જૂનું મહેસૂલ પણ આપવાને તૈયાર નથી.’

‘એની તમારે શી ફિકર છે ?’ સર ચુનીલાલે કહ્યું. ‘એટલો કાગળ સહી કરીને મોકલવામાં આવે એટલે થયું. એ સભ્યોને એટલો કાગળ મોકલવાને વાંધો ન હોય તો પછી એ શરતો કેવી રીતે, કોણ, ક્યારે પૂરી કરશે તેની ભાંજગડમાં તમારે પડવાની જરૂર નથી. તમે તમારી મેળે તપાસસમિતિ જાહેર થાય પછી જ જૂનું મહેસૂલ ભરજો.’

૨૫૧