પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૨૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અભિનંદન
 

 ચિતાર આપનારાં પાનાંમાંનું છેલ્લું પૂરું કર્યું, ત્યાં ટપાલમાં બારડોલીની સમાધાનીના ખુશખબર આવ્યા, જેને માટે ઘણા સમય થયા રાહ જોવાતી હતી. … સમાધાની બન્ને પક્ષને શોભે એવી છે. મેં ‘સરદાર’ વલ્લભભાઈને એક મહિના ઉપર લખ્યું હતું તેમ સત્યાગ્રહનો ઊંડો સાચો અર્થ ખરેખર ‘નિર્બલની સંપત છે’ — જેમને સાચી વસ્તુ મેળવીને સંતોષ છે, અને જેઓ અસત્યની માયા પાછળ ભમનારા નથી, તેમની સંપત છે. બારડોલી મારફત જગતને સત્યાગ્રહનો પદાર્થપાઠ આપવાનું તમારું સ્વપ્ન આજે બારડોલીએ પોતાની રીતે સફળ કર્યું છે.”

ગાંધીજી જેઓ તે પ્રસંગે બારડોલીમાં હતા તેમણે મુંબઈ સરકારને, બારડોલીના ખેડૂતોને અને શ્રી. વલ્લભભાઈને ‘યંગ ઈડિયા’માં અભિનંદન આપ્યું. તેમણે લખ્યું : “વલ્લભભાઈની દૃઢતા તેમજ નમ્રતા વિના આ સમાધાન થઈ જ ન શક્યું હોત.” “સત્યાગ્રહીઓએ જે માગ્યું હતું તે બધું તેમને મળ્યું છે. તપાસસમિતિના કર્તવ્યક્ષેત્રની આંકણી આપણે ઇચ્છીએ તેવી જ થઈ છે. એટલું છે કે મહેસૂલ વસૂલ કરવા માટે સરકારની દમનનીતિનાં કૃત્યોની બાબતમાં જે આક્ષેપો છે તે સંબંધમાં કશી તપાસ નથી થવાની. પરંતુ એ માગણી જતી કરવામાં શ્રી. વલ્લભભાઈ એ ઉદારતા દાખવી છે, કારણ ખાલસા થયેલી જમીનો, વેચાઈ ગયેલી જમીનો સુદ્ધાં પાછી મળવાની છે, તલાટીઓને ફરી પોતપોતાની નોકરી ઉપર ચડાવી દેવાના છે, અને બીજી ગૌણ બાબતો ઉપર પણ ધ્યાન આપવામાં આવનાર છે.”

લાલા લજપતરાયે ‘પીપલ’માં લખતાં જણાવ્યું : “સરકાર અને બારડોલીના ખેડૂતો વચ્ચેની લડતનું સમાધાન એ લોકપક્ષનો એક મહત્ત્વનો વિજય છે, તેમ જ સરકારને માટે પણ માનભરી વસ્તુ છે. સત્ય અને ન્યાયનો એ નૈતિક વિજય છે. વળી લોકમત જો સારી રીતે સંગઠિત કર્યો હોય અને તેની પાછળ બળ હોય તો તેના દબાણને સરકાર પણ વશ થાય તેવી છે એ આ સમાધાનમાં ચોકસ દેખાય છે. લડત મક્કમ અને સંગઠિત હોય અને તેની સાથે ભોગ આપવાની પૂરી તૈયારી હોય તો જ તે કાળે તેની અસર પડે જ છે.”

૨૫૯