પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૨૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 


ન્યાયપરાયણતાના સદ્‌ગુણથી અડધી અમલદાર આલમ તો ડરતી જ ફરે છે અને અડધી તેને દૂરથી પૂજે છે.

આ લડતમાંના તમારા હિસ્સા વિષે તો હું કાંઈ લખતો જ નથી. કારણ બાહ્ય દૃષ્ટિએ તમે તેથી અલગ રહેવાનું પસંદ કર્યું હતું, અને એની કીર્તિમાં તમારો કોઈ હિસ્સો ગણે એ તમને ગમે પણ નહિ. જેમ કેટલાક ફિલસૂફો માને છે કે ઈશ્વરે આ સંસારના સતત પ્રવર્તતા ચક્રને ગતિ આપી પણ પછી તે ચલાવવા માટે તેની આવશ્યકતા અનિવાર્ય ન રહી, અને છતાં તે ચક્રના પરિવર્તનનો અનિવાર્ય હેતુ તો તે રહ્યો, તેમ તમે પણ અદૃશ્ય માર્ગદૃષ્ટા અને ચેતનદાયી દૃષ્ટાન્તરૂપે સહુના હૃદયમાં પ્રવર્તતા અને સહુને સીધે પંથે રાખતા રહ્યા છો. સાચી વાત છે કે એમની કીર્તિમાં તમારો ભાગ નથી, કારણ તમારી કીર્તિ જ અનેરી છે, એમાં કોઈ ભાગ ભરી શકે એમ નથી, અને એને તમે ટાળી શકો એમ પણ નથી.”