પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૨૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
 


ગવર્નર કહે છે કે ચોથાઈ દંડની બાબત નજીવી છે એટલે તે વિષે કંઈ મુશ્કેલી ન હોવી જોઈએ, માત્ર શ્રી. વલ્લભભાઈએ કમિટીની નિમણૂક સ્વીકારવી જોઈએ.’ ફરી એકવાર સિદ્ધ થયું કે નામદાર ગવર્નર જ્યારે શાંતિને માટે ઉત્સુક હતા ત્યારે તેમના સલાહકારો કેવળ ન્યાય આપવાને પણ તૈયાર નહોતા અને લડત સળગાવતાં પાછું ફરીને જુએ એવા નહોતા.

આવું વાતાવરણ ચાલુ રહે તો ખેડૂતને ન્યાય શી રીતે મળે ? એટલે વિચક્ષણ સરદારે પૂનાથી નીકળતાં રેવન્યુ મેમ્બરને એક પત્ર લખ્યો તેમાં જણાવ્યું : “કમિટીની નિમણૂક તો હું સ્વીકારું છું, પણ તે એવી સ્પષ્ટ શરતે કે તપાસ દરમ્યાન કોઈ પણ વખતે મને લાગે કે ન્યાયસર કામ નથી થતું, અથવા તપાસને અંતે મને એમ લાગે કે કમિટીનો નિર્ણય પુરાવામાંથી નીકળી શકે એવો નથી અને અન્યાય્ય છે તો સરકારને પાછી લડત આપવાની મને છૂટ રહેશે.’ આનો જવાબ રેવન્યુ મેમ્બરે આપ્યો હતો તેમાં આ શરત વિષે તેમણે વાંધો લીધો નહોતો.

સરદારે તો ‘ચેતતો નર સદા સુખી’ એ સૂત્રને અનુસરીને જ આટલી સાવધાની રાખી હતી.

૨૬૬