પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૨૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રળિયામણી ઘડી
 


ઉપર જેલ નથી અસર કરી શકતી; કદાચ સરકારની પાસે નરકવાસ આપવાનો અધિકાર હોય તો તે નરકને પણ સ્વર્ગ કરી મૂકવાની શક્તિ રવિશંકરભાઈ ધરાવે છે. હસતા હસતા તે કહે : ‘लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराजयः એ વાત અમારે માટે તદ્દન સાચી છે. આવી જીત મળશે, આટલામાં છૂટીને નીકળશું એવું સ્વપ્ને પણ નહોતું ધાર્યું.’ રવિશંકરભાઈ તો ધારાળાઓના ગોર રહ્યા, એટલે તેમને પોતાના ઢગલાબંધ જજમાનો જેલમાં મળી ગયા. કોઈ કેદીની સાથે તેમને સીધી ઓળખાણ હોય, તો કોઈનાં સગાંવહાલાં યાદ કરીને ઓળખાણ નીકળે. ‘મહારાજ, તમે અહીં ક્યાંથી ! હારું, ભલે આવ્યા. તમને ચક્કીનું કામ આપ્યું છે. ફકર નહિ, આપણાં પંદરહત્તર માણસ ચક્કી પર છે. તમારું તો ઘડીકમાં દળી દેહું,’ એમ કહીને સૈ આશ્વાસન આપે. એક જણ તો હરખઘેલો થઈને પગે લાગી પડ્યો : ‘હેં, ગાંધીજી તમે અહીં કાંથી ?’ — જે ધારાળાઓએ ગાંધીજીનાં કદી દર્શન નથી કર્યા તેને રવિશંકરભાઈ ‘ગાંધીજી’ જ છે એટલે પછી ‘ગાંધીજી’ સમજાવે કે કેમ આવવાનું થયું. પોતાના જેલજીવનની વાતો કરતાં રવિશંકરભાઈ કહે: ‘આપણે તો કાગડા બોલે સૂવું અને કાગડા બોલે ઊઠવું. ઊઠ્યા કે તરત સાબરમતી આશ્રમનો ઘંટ સંભળાય. બીજા ઊઠ્યા હોય તે પહેલાં તો હું પરવારીને બેઠેલો હોઉં. મેં તો જેલમાંથી બહાર નીકળીને જ દીવો જોયો. જેલમાં દીવાનાં દર્શન નથી કરવા પામ્યો. છ અઠવાડિયાં મને ઘંટી હતી. રોજ ૩૭ શેર દળવાનું. નાગપુરમાં તો બેત્રણ કલાકમાં એટલું દળીને ફેંકી દેતો. અહીં આરંભમાં જરા મોડું થતું, પણ પછીથી તો દોઢબે વાગ્યામાં બધું પૂરું થઈ જાય.’,

‘તમને આ ખોરાક કેમ પચી ગયો ?’ એમ પૂછતાં કહે : ‘શાક તો ઝેર જેવું મળતું, પણ એ બધું હું પી ગયો છું, આંખ મીંચીને એ ખાઈ જાઉં. રોટલા તો મારે ત્રણ વેળના સાતઆઠ જોઈએ અને તે સ્વાદથી ખાઉં, દાળ ઘણાને ન રુચે એવી હોય, પણ હું તો રોટલા ચાવી ચાવીને ખાઈ જાઉં, અને ઉપર દાળ પી જાઉં !’

૨૭૧