પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૨૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
 

 મસ્તીમાં કર્તવ્યભાન ભૂલવાની ગફલત ન થાય તેની સચોટ ચેતવણી આપનાર, જેવો લડતનો તેવા જ શાંત રચનાત્મક કાર્યનો રસ ચડાવનારું ભાષણ ગાંધીજીએ ૧૯૨૨ ના ઐતિહાસિક આંબા નીચે કર્યું તે અક્ષરશઃ અન્યત્ર આપવામાં આવે છે. જુઓ ‘અમૃતવાણી’ પાનું ૨૭૮.

ગુરુશિષ્યનાં દર્શન

નાગપુર અને બોરસદના વિજયવેળા તો ગાંધીજી જેલમાં હતા, એટલે નાગપુરનો વિજય મેળવનારા કે બોરસદનો વિજય મેળવનારાઓને ગાંધીજી અને વલ્લભભાઈ બંનેનાં દર્શન ભેળાં નહોતાં થયાં. બારડોલીના અપૂર્વ વિજયની એક અપૂર્વતા ગાંધીજી અને વલ્લભભાઈ બંનેનાં ભેળાં દર્શન સૌને મળ્યાં એમાં પણ કહું તો ખોટું નહિ. બારડોલીના કાદવકીચડમાં ફરતા, અને નદી અને ખાડીઓના સરકણા ઘાટ ઉપર એકબીજાને ટેકો દઈને ખેડૂતોમાં ભળી જતા આ યુગલનાં દર્શન સોહામણાં હતાં. બંનેને એક જ સ્થાને બોલવું એ તો પેલી ભોળી બહેનોને જેવું મૂઝવણભર્યું લાગ્યું હતું તેવું જ લાગ્યું હશે. પણ પ્રેમી જનતાના આગ્રહને વશ થઈને તેમને તે પણ કરવું પડ્યું. વિજય અગાઉ તો ગાંધીજી જ્યાંત્યાં સરદારના હુકમનો આશરો લઈને કહેતા, ‘સરદારનો હુકમ નથી એટલે કેમ બોલાય ?’ વાલોડમાં સરદારનું સ્થાન સૈનિકોએ જ લઈ લીધું, અને વિભાગપતિ ચંદુલાલે ગાંધીજીને બોલાવ્યા. ગાંધીજીએ વાલોડમાં પોતાની મૂંઝવણ સત્યાગ્રહનું રહસ્ય સમજાવીને ટાળી, બારડોલીની એક સભામાં માન રાખ્યું છતાં માનપત્ર વલ્લભભાઈને આપતાં તેમની પીઠ ઉપર શાબાશીનો મજબૂત થાબડો દઈને ટાળી. સૂરતમાં ૧૯૨૧ ના કાર્યક્રમની યાદ દઈને ટાળી, અને અમદાવાદમાં પરસ્પર સ્તુતિકારક મંડળ બનાવવાની ના પાડીને ટાળી. વાલોડનું ટૂંકું ભાષણ અહીં જ આપી દઉં :

“તમારામાંના કેટલાકને એમ લાગે છે કે આપણને લડવાનું વધુ મળ્યું હોત તો સારું. મને પણ એમ ભાસે. પણ સત્યાગ્રહી ખોટી રીતે મુદ્દલ લડવા ન માગે, સાચી રીતે જન્મારા સુધી લડ્યા જ કરે. કારણ એની શાંતિ તો લડાઈમાં જ રહેલી છે. પણ શરતનું પાલન સામો પક્ષ ન કરે

૨૭૪