પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૨૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રળિયામણી ઘડી
 


તો કેવું સારું કે જેથી લડતનો વધારે રસ લૂંટવાનો મળે એ સત્યાગ્રહની વૃત્તિ નથી, અસત્યાગ્રહની વૃત્તિ છે. સરદારને સરકારે ન બોલાવ્યા તેથી શું ? સરદારને તો મમમમનું કામ હોય, ટપટપનું કામ ન હોય. એટલે તમે જો આગળ વધીને કહો કે અમારા સરદારને બાલાવો તો જ સલાહ કરીએ તો તમે દોષમાં પડો. તમારા કે તમારા સરદારના સાચા માનની હાનિ હોય એવું કશું બન્યું નથી. શરતનું પાલન કરાવનાર ઈશ્વર હતો. અનેક ઉદ્ધત ભાષણો કર્યા પછી સરકારને આપણી શરતોનું પાલન કરવું પડ્યું. કમિશનરે પેલો ઉદ્ધત કાગળ બહાર પડવા દીધો ત્યારે જ મેં કહેલું કે હવે જીત ચોક્કસ છે. જેમજેમ સરકાર દોષ કરતી ગઈ તેમ તેમ આપણી જીત પાસે આવતી ગઈ. સરકારને વહેલું આટોપવું પડ્યું એમાં આપણા માનની લેશમાત્ર હાનિ નથી થઈ. આપણે જો ભીનુ સંકેલ્યું હોત તે માનહાનિ થાત ખરી. મારા અનુભવમાં સત્યાગ્રહની અનેક લડાઈઓ થઈ ગઈ છે, પણ તેમાંની એકેમાં આના કરતાં વધારે સાચી, વધારે શુદ્ધ જીત બીજે ક્યાંયે નથી મળી. એમ સત્યાગ્રહના શાસ્ત્રી તરીકે હું મારા પુરાવા આપું છું. ”

વલ્લભભાઈની મૂંઝવણ એથીયે વધારે હતી. ગાંધીજીની સમક્ષ માનપત્રો લેવાં એ જ તેમને ભારે વસમું લાગતું હતું. બારડોલીમાં તેમણે સાફ કહ્યું — માનપત્ર આપવાનો સમય જ હજી નથી આવ્યો, એ તો ૧૯૨૨ ની પ્રતિજ્ઞાનું પાલન થશે ત્યારે જ આવવાનો છે. માનપત્ર લેવાની પોતાની લાયકાત નથી એમ જણાવતાં તેમણે કહ્યું :

અહિંસાના સિદ્ધાંતનું પાલન કરનારા તો હિંદુસ્તાનમાં છૂટાછવાયા અજ્ઞાત ઘણા પડ્યા છે; તેમના ભાગ્યમાં જાહેરાત નથી, જે પૂરું પાલન નથી કરતા તેમના ભાગ્યમાં જાહેરાત આવી પડી છે. અહિંસાના પાલનની વાત કરવી એ જ મારે માટે તો નાને મોઢે મોટી વાત કરવા જેવું છે— કોઈ માણસ હિમાલયની તળેટીએ બેસીને તેના શિખરે પહોંચવાની વાત કરે તેના જેવું છે. પણ કોઈ કન્યાકુમારી આગળ બેસીને તે શિખરે પહોંચવાની વાત કરે તેના કરતાં તળેટીએ બેસીને એ વાત કરે તે કંઈક વધારે ડાહ્યો કહેવાય એટલું જ. બાકી હું તો ગાંધીજીની પાસેથી ભાંગ્યો તૂટ્યો સંદેશ તમારી આગળ મૂકું છું. તેટલાથી જ જો તમારામાં પ્રાણ આવ્યા તો જો હું પૂરો પાળનારો હોત તો ૧૯૨૨ ની પ્રતિજ્ઞા પાળીને આપણે બેસી ગયા હોત”

૨૭૫