પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૩૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
 


આપણામાં ક્યાંક પણ અભિમાન છુપાયેલું હોય તો તે કાઢવા મેં આટલી પ્રસ્તાવના કરી લીધી.

હું તો દૂર રહ્યો રહ્યો તમારો જય ઈચ્છતો હતો, પણ તમારી વચ્ચે આવીને કામ કરનારો નથી એ વાત સાચી છે. જોકે હું વલ્લભભાઈના ખીસામાં હતો અને જે ક્ષણે ધારત તે ક્ષણે મને તે બોલાવી શક્તા હતા, પણ આ તમારા જયનો યશ હું ન જ લઈ શકું. આ જય તમારા અને તમારા સરદારનો જ છે, અને તેમાં ગવર્નરનો ભાગ છે અને તેમનો ભાગ હોય તો તેમના અમલદારવર્ગનો, ધારાસભાના સભ્યોનો પણ ભાગ તેમાં હોય. જે કોઈએ શુદ્ધ હૃદયથી સમાધાનીની ઇચ્છા કરી તે સૌનો આ જયમાં ભાગ સ્વીકારવો જોઈએ. આ જય માટે ઈશ્વરનો આપણે પાડ માનીએ જ. પણ ઈશ્વર તો અલિપ્ત રહી માટીનાં પૂતળાંને નિમિત્ત બનાવી કાર્યો કરાવે છે. એટલે બાકીનાને જેમને જેમને ઘટે છે તે સૌને આ યશ આપણે વાંટી દઈએ. પછી આપણા પોતાના ભાગે ઓછું જ રહેવા પામશે અને ઓછું રહે તે જ ઠીક.

આ તો હજી તમારી પ્રતિજ્ઞાના પૂર્વાર્ધનું પાલન થયું છે. તેનો ઉત્તરાર્ધ હજી અમલમાં મૂકવાનો બાકી છે. સરકાર પાસેથી લેવાનું હતું તે તો આવ્યું, અને તેણે પોતાનો ભાગ આપ્યો, તો હવે તમારે જૂનું મહેસૂલ તરત આપી દેવું જોઈએ. એટલે હવે તે તરત આપી દેજો. વળી હવે જેમણે આપણો વિરોધ કર્યો હોય તેમની હવે મિત્રતા કરી લેજો. જૂના અમલદારો જે હજુ આ તાલુકામાં રહ્યા હોય તેમની સાથે પણ મિત્રતા કરી લેજો. નહિ તો તમે તમારી પ્રતિજ્ઞા ભંગ કરી કહેવાશે. આપણી પ્રતિજ્ઞાના પહેલા ભાગ માટે સરકાર પાસે જવાનું હતું, આ ઉત્તરાર્ધ આપણે પોતે જ સિદ્ધ કરવાનો છે. હૃદયમાં કોઈને માટે ગાળ ન રહે, કોઈને માટે ક્રોધ ન રહે, એમ કરવું એ આપણી પ્રતિજ્ઞાનો પાળવાનો રહેલો ભાગ છે.

હવે તેથીયે આગળ ચાલીએ. આ પ્રતિજ્ઞા એ તો આપણી નવી અને નાની સરખી પ્રતિજ્ઞા છે. તે તો સમુદ્રમાંનું બિંદુ છે. ૧૯૨૨માં જે પ્રતિજ્ઞા આ તાલુકામાં લેવાઈ હતી તે ભીષણ પ્રતિજ્ઞા હતી. એ ભીષ્મપ્રતિજ્ઞા હજી બાકી છે, તેના પાલનને માટે તમે આ તો તાલીમ લીધી છે. હવે એ મહાપ્રતિજ્ઞાનું પાલન પણ કરો એ હું તમારી અને ઈશ્વરની પાસે માગુ છું.

જે સરદારની આગેવાની નીચે રહી તમે આ પ્રતિજ્ઞાનું આવું સુંદર પાલન કર્યું એ જ સરદારની નીચે એ પણ કરો. આ સ્વાર્થ ત્યાગી

૨૮૬