પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૩૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
 


કારણ સરકારનો રજ અન્યાય હોય તેને આપણને ગજ કરતાં આવડે છે કીડીના જેવડો અન્યાય પણ હાથીના જેવડો આપણને લાગે છે — અને લાગવો જોઈએ, જેને ન લાગે તે પ્રજા મૂર્છામાં છે — પણ આપણે જ્યારે પોતા થકી કશું કરવાનું આવે છે ત્યારે કર્તવ્યથી ભાગી છૂટીએ છીએ. એટલે મેં બારડોલીના લોકોને પહેલું કહ્યું: ‘તમે પ્રતિજ્ઞાનો પૂર્વાર્ધ પાળ્યો, હવે ઉત્તરાર્ધ પાળો.’ ઉત્તરાર્ધ જૂનું મહેસૂલ ભરી દેવામાં છે. એ મહેસૂલ તો ઝપાટાબંધ ભરી દેવામાં આવશે એવી મારી ખાતરી છે. પણ એ મહેસૂલ ભરવાના ગર્ભની અંદર રહેલી રચનાત્મક કાર્યની પ્રતિજ્ઞા હજી પાળવાની રહેલી છે. બારડોલીમાં જે અસીમ જાગૃતિ જોઈને હું આવું છું તે બહેનોની સેવા આપણે કઈ રીતે કરશું, તેમનાં દુ:ખ શી રીતે ટાળશું, એમાં તમે શહેરીઓ શો ભાગ ભરશો ? એ પ્રશ્નનો ઉકેલ તમારે કરવો રહ્યો છે. ૧૯૨૧ માં તમારી પાસેથી જઈને મેં વાઇસરૉયને લાંબો કાગળ લખેલો, એમ સમજીને તમે અને બારડોલી મારી પ્રતિજ્ઞામાં શામેલ રહેશો. પણ તે વેળા જે કરવાનું હતું તે આપણે આજ સુધી નથી કર્યું. સત્યાગ્રહની અંદર સવિનય ભંગ આવી જાય છે, આંધળી સત્તાના અમલનો સદા વિરોધ કરવાનું આવી જાય છે, પણ એ વિરોધનો જેના ઉપર આધાર છે તે આત્મનિરીક્ષણ, આત્મશુદ્ધિ, રચનાત્મક કાર્ય એ તમે કેટલું કરેલું છે તેનો હિસાબ માગું તો મને લાગે છે કે તમારી અને મારી આંખમાંથી આંસુ પડાવી શકું.

હું તો ૧૯૨૧ માં હતો તેનો તે જે આજે પણ છું, તે વેળા જે કઠણ શરત મૂકી હતી તે જ શરતો આજે મૂકનારો છું. એ શરતો વિના હિંદુસ્તાનમાં જે સુખ, શાંતિ, વૈભવ, સ્વરાજ, રામરાજ જોઈએ છે તે અસંભવિત માનું છું. જ્યાં સુધી અલબેલી કહેવાતી સૂરત નગરીના હિંદુમુસલમાન પાગલ બને અને ખુદાને નીંદીને ધર્મને ખોટે નામે લાઠીઓ ચલાવે, અને અદાલતમાં જઈને ઇન્સાફ માગે, ત્યાં સુધી તેમને સ્વરાજનું નામ લેવાનો અધિકાર નથી. મેં તે દિવસોમાં પણ કહેલું કે તમે ખરા બહાદુર હો તો તમને એકબીજા સાથે લડવાને અધિકાર છે, પણ અદાલતમાં જવાનો અધિકાર નથી. આજ સુધી જગતમાં એવા લડવૈયા નથી જોયા જે લડીને અદાલતમાં ગયા હોય. અંગ્રેજ અને જર્મનો તોપબંદૂકથી લડ્યા, પણ અદાલતની પાસે ન્યાય માગવા ન ગયા. એમાં અમુક અંશે બહાદુરી રહેલી છે. હિંદુમુસલમાન એમ કરે તો તે કરવાનો તેમને અધિકાર છે; જો તેઓ લડતની નીતિ અને મર્યાદા જાળવીને લડશે તો તેમનાં નામ ઇતિહાસમાં

૨૮૮