પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૩૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
 


વાત ઉપર આવતા હતા, પણ ભાષણ અહીં જ પૂરું કર્યું.) મેં કહેવાનું કહી દીધું છે. હવે કાંઈ કહેવાનું બાકી રહ્યું નથી.

સરદારનો કોલ

બારડોલીમાં વિજયી ખેડૂતોની પાસે ભાવી કાર્યક્રમ રજૂ કરતાં વલ્લભભાઈ એ ખેડૂતોને નીચે પ્રમાણે કોલ આપ્યો હતો :

સરકાર સાથે લડવાનું તો મીઠું લાગે છે, પણ યાદ રાખજો મારે તો તમારી જોડે પણ લડવું પડવાનું છે. ખેડૂત પોતાની ભૂલોથી દુ:ખી થઈ રહ્યા છે. તે ભૂલો હું સુધારવા માગું છું. તેમાં હું તમારો સાથ માગુ છું. બારડોલી તાલુકાની બહેનો, જેમણે મારા પર આટલો પ્રેમ વરસાવ્યો છે, મને ભાઈ સમાન ગણ્યો છે તેઓ મને એ કામમાં સાથ આપે એ માગું છું. એમની મદદ સિવાય એમાંનું કંઈ પણ બનવું અસંભવિત છે.

હું તમને કહી દેવા ઇચ્છું છું કે સરકાર તમામ મહેસૂલ માફ કરી દે છતાં તમે જો ન ઇચ્છો તો સુખી ન જ થઈ શકો. સત્તાના જુલમો સામે તમે લડો એ તો મને પસંદ છે. પણ આપણે જાણવું જોઈએ કે આપણી પોતાની જ મૂર્ખાઈથી આપણે બહુ જ દુ:ખી થઈએ છીએ, આપણે પોતે જ આપણાં દુ:ખો માટે જવાબદાર છીએ, તો તે સામે શું આપણે ન જ લડીએ ? તે સારુ તો રાતદિવસ જંગ માંડવો જોઈએ.

તેથી હું હવે બારડોલી તાલુકાનાં તમામ મહાજનો અને પંચોને કહેવાનો કે તમારાં પંચોને સજીવન કરો, જૂનાં ખોખાંમાં નવું ચેતન રેડો. પંચો તો એવાં હોય કે જ્યાં ગરીબોનું રક્ષણ થતું હોય, જેના વડે આખી કોમનો પુનરુદ્ધાર થવા લાગે.

શું નાનાં નાનાં બાળકોને પરણાવી માર્યે કોઈ દિવસ કોઈ કોમનું કલ્યાણ થઈ શકે ? જે પ્રજા છાતી પર ગોળી ઝીલવાને તૈયાર થયાનો દાવો કરતી હોય તે પોતાનાં નાનાં નાનાં બાળકોને કદી પરણાવે ? તેને માટે શું સરકારને અમુક ઉંમર પહેલાં છોકરાં પરણાવવાની બંધી કરનારા કાયદા કરવા પડે ? જો સરકારને આપણા સુધારા માટે કાયદા ઘડવા પડતા હોય તો આપણે તેની સાથે કેમ લડી શકીશું ?

જેમ આપણે સરકારના દિલનો પલટો ઇચ્છતા હતા તેમ આપણાં પેાતાનાં હૃદયનો પલટો પણ કરવો પડશે.

પ્રભુને હાજ૨ જાણી લીધેલી એક પ્રતિજ્ઞામાંથી આપણે પાર ઊતર્યા અને આજે એ ફતેહની ઉજવણી માટે હર્ષથી ભેગા થયા છીએ. આ ઉજવણીમાં ભાગ લેવાનો સૌને અધિકાર છે. પણ આ ઉજવણીને અંતે

૨૯૦