પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



બારડોલીમાં શું બન્યું ?
લોકપક્ષ

“બાદશાહે પૂછ્યું, 'દિલ્હીમાં કાગડા કેટલા ?' એકે તડાકો માર્યો, ‘આઠ લાખ એંશી હજાર ત્રણસો બત્રીસ !’ કેવો ઉસ્તાદ ગણતરીબાજ ! સરકારનો એ ધંધો છે કે જૂઠાને સાચું મનાવવું હોચ તો ખૂબ જોરથી કહેવું, અને આંકડાઓનો મારો કરવો.”

રકારપક્ષ ગયા પ્રકરણમાં આપી ગયા. આમાં બે રિપોર્ટના પરસ્પર વિરેાધીપણાની વાત ઘડીકવાર બાજુએ રાખીને બંને રિપોર્ટની દલીલોની સામે લોકોનો શો જવાબ હતો, સરકારી અમલદારોએ વારંવાર કરેલાં કથનનો લોક શો જવાબ આપતા હતા એ આપણે સંક્ષેપમાં જોઈ લઈએ.

લોકોનો સૌથી મોટો જવાબ એ હતો કે શ્રી. જયકરે આખા તાલુકામાં લોકોને મળ્યા વિના, લોકની પાસેથી કશી હકીકત જાણ્યા વિના, લોકોને પોતાની વાતો સંભળાવવાની તક આપ્યા વિના, તાલુકાનાં ગામોમાં ઘોડા દોડાવીને ઉપલકિયા નજરે જે દેખાયું તે ઉપર પોતાના ‘રિવિઝન’ના દરો નક્કી કર્યા; કેટલીક વસ્તુ વિષે તો તેમણે કાળજીથી તપાસ કરી હોત તોયે તેમને ખબર પડત, પણ તેમણે ન કરી. શ્રી. જયકરે ૩૦ ટકા દર વધારવાના જે કારણો બતાવેલાં તેના જવાબ તો લોકો પાસે જોઈએ તેટલા હતા. તાલુકા સમિતિએ નિમેલી કમિટીના પ્રમુખ તરીકે ભાઈ નરહરિએ એના જવાબ લેખમાળામાં આપ્યા, રા. બ. ભીમભાઈ એ પોતાના કાગળો અને અરજમાં આપ્યા. શ્રી. જયકરનાં કારણો એક પછી એક લઈ લોકોએ તેના આપેલા જવાબનો સાર આપી જઈએ :

૧. ટાપ્ટી વેલી રેલ્વે ખોલવામાં આવી તેથી અમુક ગામડાંને ફાયદો થયો, અને તે કારણે શ્રી. જયકરે કેટલાંક ગામડાંના વર્ગો ચડાવ્યા. મિ. ઍંડર્સને પણ એ દલીલને ટેકો આપ્યો. પણ બંને ભૂલી ગયા કે મિ. ફરનાન્ડીઝે ૧૮૯૬ ની જમાબંધી કરતી વેળા આ રેલ્વે ધ્યાનમાં લીધી હતી. તેમણે એ રિપોર્ટમાં

૨૩