પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪ થું
બારડોલીમાં શું બન્યું ?—લોકપક્ષ
 


રીતે આવે ? ગામેગામના વેચાણની તપાસ કરતાં મોટા ભાગનાં વેચાણ પરદેશ જઈ આવેલાઓએ કરેલાં જોવામાં આવે છે. આંકણીઅમલદાર લોકોની સ્થિતિ તપાસીને નિવેદન કર્યાનો દાવો કરે છે, પરંતુ આ તાલુકામાંથી પરદેશ જઈ ધન રળી આવનારની સંખ્યા મોટી છે તેનો પોતાના નિવેદનમાં ઉલ્લેખ સરખો નથી !” (ભાઈ નરહરિકૃત ‘બારડોલીના ખેડૂતો.’)

વેચાણ અને ગણોતના આંકડા કેવી રીતે તૈયાર થયા છે તે જાણવાને માટે એકબે વાત નોંધવી જરૂરની છે. સેટલમેંટ ઑફિસરે ગામેગામ ફરીને આ વેચાણ અને ગણોતના આંકડા તપાસવા જોઈએ, એમાં સાચાં ગણોત અને વેચાણ કયાં છે તે તપાસવાં જોઈએ, વ્યાજના દસ્તાવેજો, ગીરોના અને વેચાણગીરોના દસ્તાવેજો કાઢી નાંખવા જોઈએ. પણ બારડોલીમાં આવું કશું બન્યું નહોતું. સેટલમેંટ રિપોર્ટની ઉપર ૩૦ મી જૂન ૧૯૨૫ ની તારીખ છે. રિપોર્ટ લખતાં પંદરેક દિવસ થયા હશે એમ માની લઈ એ તો ૧૩૭ ગામના આંકડા તેમણે ૧૦ દિવસમાં તપાસી લીધા હશે એમ મામલતદારે પટેલ તલાટીઓ ઉપર મોકલેલા એક સર્ક્યુલર ઉપરથી જણાય છે. ૧ લી જૂનને દિવસે કાઢેલા આ સર્ક્યુલરમાં તેમને એવું લખવામાં આવ્યું હતું : “આ દેખત તમારે બધાં પત્રકો લઈને તાલુકે આવવું. પ્રાંત સાહેબ (જયકર સાહેબ)નો મુકામ ૪ થી જૂનથી તાલુકે થવાનો છે, અને તેઓ તમે કરેલાં પત્રકો તપાસશે. તે પહેલાં મારે પણ એ તપાસી જવાં જોઈએ. એટલે તમારે તમામ ચાલુ પત્રકો લઈને તાલુકે આવી રહેવું અને કામ પૂરું થાય ત્યાં સુધી અહીં રહેવું.”

પ્રાંત અમલદાર તા. ૪ થી ૧૫ મી સુધીમાં ૧૩૭ ગામોનાં પત્રકો શી રીતે તપાસી શક્યા હશે તે સમજી શકાતું નથી. રવિવાર વગેરે ન ભોગવ્યા હોય તોયે એ કામ ૧૧ દિવસમાં પતાવવું એ મોટા અષ્ટાવધાનીને માટે પણ અશક્ય થઈ પડે. અને વળી એ બધી તપાસ કચેરીમાં બેસીને થાય શી રીતે એ પણ કલ્પનામાં નથી આવતું.

૨૭