પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૩૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪ થું
ગૂંચઉકેલ ?
 


હવે આ દર વધારવા ઘટાડવામાં એમનાં કારણ તપાસીએ. જરાયત જમીનમાં બધા જ વર્ગોમાં વધારો સૂચવ્યો છે, એ જોવાજેવું છે. પાંચમો વર્ગ જે ગરીબ રાનીપરજ ગામોને માટે ખાસ બનાવવામાં આવ્યો છે ત્યાં પણ જૂના ચોથા વર્ગના ૩ રૂપિયાને બદલે રૂ. ૩-૪-૦ ઠરાવવાનું તેમને યોગ્ય લાગ્યું !

પહેલા વર્ગમાં ૪૦ ગામ હતાં. એમાં સાહેબોએ માત્ર આઠ ગામ તપાસ્યાં. આ આઠેમાંથી ત્રણ ગામમાં તો આંકડા જ એવા ન મળ્યા કે જેમાંથી કશું અનુમાન ખેંચી શકાય. બાકીનાં પાંચમાં બે ગામમાં તો દર દેખીતો જ વધારે લાગ્યો અને એક ગામ કમિટીને ઘણું ગરીબ લાગ્યું. એટલે એ ત્રણને નીચે ઉતારવાની પણ તેમને જરૂર જણાઈ. માત્ર એક જ ગામ સરભોણમાંથી તેમને ‘ઉત્તમ પુરાવો’ મળ્યો ― અને તે એવું બતાવનારો કે ‘મહેસૂલ બહુ વધારે પડતું લેવાતું નથી.’ ‘ બહુ ઓછું’ લેવાય છે એવો તો નહિ જ ! વારુ, અને એ પુરાવો પણ ૧૯૨૭-૨૮ની એક જ સાલના આંકડાનો અને બે હજાર એકર જેટલી જમીનમાંથી ૪૩ એકર ૨૬ ગુંઠાનો ! આ એક સરભોણના પુરાવાથી અમલદારોને લાગ્યું કે આ વર્ગ માં ૬ રૂપિયાને બદલે ૬ાા રૂપિયાનો દર કરવો જોઈએ ! જો સરભોણનો પુરાવો ‘ઉત્તમ’ હતો તો તે ક્યારી સારુ કેમ નહિ ? ક્યારીની જમીન ઉપર આ તપાસેલા વર્ષના આંકડા પ્રમાણે પણ જૂનું મહેસૂલ ગણોતના ૪૨ ટકા જેટલું હતું. તે ઓછું શા માટે ન કરવામાં આવ્યું તે કમિટી જાણે.

બીજા વર્ગનાં ગામમાં ૩૨ ગામમાંથી ૧૧ તપાસાયાં, જેમાંનાં ૪ ગમમાં આંકડા બહુ નજીવા હતા. બાકીનાં ગામોમાં એ ગામમાં જ ગણોત ભારે હતાં, અને તેમાંના એક ગામમાં તો ભારે ગણોતનું કારણ લોકો જમીન ખાતરીને આપતા હતા તે હતું. વળી આ ગામનાં ગણોતો વધારે છે તેનું કારણ ‘ઘાસિયા અને રૂના ભાવ’ છે પણ કમિટી જણાવે છે તેમ ‘થોડો વધારો તો થઈ શકે’ એમ તેમનો અભિપ્રાય થયો, અને ‘થોડો’ એટલે સેંકડે ૧૦ ટકા !

૩૩૯