પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૩૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 


ત્યાં પણ તેમણે નોંધેલાં ગણોતો કમિટીને જોવામાં ન મળ્યા ! એટલે મિ. ઍંડર્સને પણ શ્રી. જયકરના કરતાં ઓછી બેદરકારી નથી બતાવી.

(રિપોર્ટ પૅરા ૩૬.)
 

૩. મહાલકરી અને અવલકારકુને અમલદારો આગળ પુરાવો આપ્યો તેથી પણ સિદ્ધ થયું કે સેટલમેંટ અમલદારે કશી દેખરેખ રાખી નહોતી કે તપાસ કરી નહોતી; ગણોતનાં પત્રકો બધાં જ તલાટીઓએ તાલુકાકચેરીમાં બેઠાં બેઠાં કીધાં હતાં, અને તેના ઉપર અવલકારકુને પોતે પણ જૂજ જ દેખરેખ રાખી હતી (રિપોર્ટ પૅરા ૪૨). સામાન્ય રીતે સરકારમાં કેવું અંધેર ચાલે છે એ આમ સ્વતંત્ર તપાસથી જ જણાયું, એટલું નહિ પણ સરકારી અમલદારોની જુબાની ઉપરથી પણ જણાયું. (રિપોર્ટ પૅરા ૪૧.)

૪. ગણોત નોંધવાની હાલ જે પ્રથા છે તે તદ્દન નકામી છે, તેમાંથી ગણોતની કશી વીગત નથી મળતી. પહાણીપત્રકોમાં ભારોભાર ભૂલો હોય છે અને એ જરાય વિશ્વાસપાત્ર પત્રક નથી. (રિપોર્ટ પૅરા ૩૮.)

પ. ગણોતના આંકડાનો ઉપયોગ કરવાની ચાલુ રીત પણ ખોટી છે, અને એની ઉપરથી અનુમાન બાંધવાની રીત ખોટી છે. (રિપોર્ટ, પાનાં ૩૫-૪૨.)

સરકારનું આટલું બધું પોકળ બહાર પડશે એવી આશા તો અમને પણ નહોતી, કારણ અમારી આગળ લોકોની થોડી ફરિયાદ ઉપરાંત કશું નહોતું, અને સરકારનાં દફતર તો સામાન્ય રીતે કોઈને જોવાનાં મળતાં જ નથી. આ તપાસને પરિણામે એ દફતર પણ કેવાં ખોટાં હોય છે તે બહાર આવ્યું, અને એવી જ રીતે આખા પ્રાંતમાં થતું હોય તો નવાઈ નહિ એવી પ્રબળ શંકા ઉત્પન્ન થવાને માટે વાજબી કારણ મળ્યું. એટલે બારડોલીને પરિણામે આખા પ્રાંતનો સવાલ ઊભો થયો, અને આખા પ્રાંતમાં ચાલતી કુપ્રથા સુધારવા વિષે સરકારની આંખ ઊઘડી. સરકારમાં જો શરમની જરાય લાગણી હોત તો રિપોર્ટમાં જૂઠાણાં ચલાવવા માટે, અને બારડોલી તાલુકાની સાથે ન્યાયી નહિ પણ ઉદાર વર્તન કરવામાં આવ્યું છે એમ ગવર્નર જેવા અમલદાર પાસે એક નહિ પણ અનેક વખત કહેવડાવવા માટે, એ અમલદારની અને સેટલમેંટ કમિશનરની બંનેની જાહેર રીતે નિંદા કરત અને શ્રી. જયકરને બરતરફ કરત. પણ સાચી વાત એ છે કે આ પાપના આખી સરકારને છાંટા લાગ્યા હતા, એટલે કોણ કોને દોષ દે ? પણ

૩૪૪