પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૩૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
 


ધોરણ ઉપર ગામનું નવું વર્ગીકરણ કર્યું. એવી ભલામણો મંજૂર રાખીને આકારણીના વિષયમાં સરકારે એક તદ્દન નવું જ તત્ત્વ દાખલ કર્યું છે. નવા વર્ગીકરણમાં કેટલાંક ગામો ઉપરના વર્ગમાં ચડાવવામાં આવ્યાં છે. એટલે એ ગામોને માથે તો ઉપરના વર્ગોનો ઊંચો દર અને વધારેલું મહેસૂલ મળીને ૫૦ થી ૬૦ ટકાનો વધારો પડ્યો છે. છેવટના હુકમ કાઢતાં પહેલાં આ બાબતની લોકોને ખબર આપવામાં આવેલી નથી. સરકારે તો સેટલમેંટ કમિશનરનું નવું વર્ગીકરણ સ્વીકાર્યું અને ૧૯૨૭ની ૧૯ મી જુલાઈ એ છેવટના હુકમ કાઢ્યા. ચાલુ વર્ષમાં નવી આકારણીનો અમલ કરવો હોય તો તે પહેલી ઑગસ્ટ પહેલાં જાહેર થઈ જવી જોઈએ.

આથીયે વિશેષ નિયમબહાર તો એ બન્યું છે કે, ૩૧ ગામોએ જુલાઈ માસના છેલ્લા અઠવાડિયામાં નોટિસો ચોડવામાં આવી કે જેમને વાંધાઓ રજૂ કરવા હોય તે બે મહિનાની અંદર પોતાના વાંધાઓ રજૂ કરે. એક રીતે તો ૧૯૨૭ ની ૧૭મી જુલાઈનો સરકારી ઠરાવ નં. ૭૨૫૯/૨૪, જેની રૂએ જમીન મહેસૂલમાં વધારો થયો તે સરકારનો છેલ્લો હુકમ હતો. પરંતુ પેલી નોટિસો ચોડાઈ એટલે એ હુકમ છેવટનો રહી શકતો નથી, અને છેવટનો હુકમ કાઢતાં પહેલાં વાંધાઓનો વિચાર કરી લેવાને સરકાર બંધાય છે. વળી છ મહિનાની અગાઉથી નોટિસ આપ્યા સિવાય ચાલુ વરસમાં નવો વધારો અમલમાં મૂકી શકાય નહિ.

પરંતુ તાલુકાને જે ઉઘાડો અન્યાય થયો છે તે બાબત હું લંબાણ કરવા માગતો નથી. મારી વિનંતિ એટલી જ છે કે લોકોને ન્યાય આપવા ખાતર સરકાર ઓછામાં ઓછું એટલું કરે કે નવી આકારણી પ્રમાણે મહેસૂલ વસૂલ કરવાનું હમણાં સરકાર મુલતવી રાખે અને આ કેસ નવેસરથી તપાસી જાય. એ તપાસમાં લોકોને પોતાની હકીકત રજૂ કરવાની તક મળે, અને તેમની રજૂઆતને પૂરતું વજન આપવાની ખાતરી આપવામાં આવે.

અતિશય નમ્રતાપૂર્વક આપ નામદારને જણાવવાની હું રજા લઉં છું કે આ લડત જે બહુ તીવ્ર સ્વરૂપ પકડે એવો સંભવ છે તે અટકાવવી આપના હાથમાં છે, અને તેથી આપને માન સાથે આગ્રહ કરું છું કે લોકોને પાતાનો કેસ પૂરતી સત્તાવાળા નિષ્પક્ષ પંચ સમક્ષ રજૂ કરવાની તક આપે.

આપ નામદારને એમ લાગે કે આ બાબતમાં રૂબરૂ મળવાજેવું છે તો બોલાવો ત્યારે આપને મળવા આવવા હું તૈયાર છું.

આપનો નમ્ર સેવક,
વલ્લભભાઈ ઝ. પટેલ
 

નામદાર સર લેસ્લી વિલ્સન જોગ

૩૫૪