પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૩૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
 


જણાવ્યું છે કે તમારો કાગળ મહેસૂલખાતા ઉપર નિકાલ માટે મોકલવામાં આવે છે એવો જવાબ તમને મળ્યો છે. વર્તમાનપત્રના અહેવાલમાં આગળ છે કે ‘શ્રી. પટેલે આ જવાબને અર્થ એ કર્યો કે નવી આકારણી બાબત પોતાના ઠરાવ ઉપર ફરી વિચાર કરવા સરકાર ના પાડે છે, અને તેથી મહેસૂલ નહિ ભરવાની લડત ચલાવવા ખેડૂતોને તેમણે સલાહ આપી.’ તમારા ધ્યાન ઉપર લાવવા માગું છું કે નામદાર ગવર્નર ઉપરનો તમારો કાગળ નિકાલ માટે મહેસૂલખાતા તરફ રવાના કરવામાં આવે તે સરકારી વહીવટને અનુસરીને જ થયું છે, અને તેથી તે ઉપરથી તમે જે અનુમાન કાઢ્યું છે તે વાજબી ન ગણાય. આ સંજોગોમાં, ઉપર ટાંકેલું તમારું વાક્ય મારા અનુયાયીઓને હું અંકુશમાં રાખી રહ્યો છું એવી મતલબના તમારા સૂચન સાથે બંધ બેસાડવું ગવર્નર અને તેની કાઉન્સિલને મુશ્કેલ જણાય છે. જો વર્તમાનપત્રના અહેવાલો ખરા હોય તો તો ધારાસભાના કેટલાક ગુજરાતી સભ્યો, જેમણે સભામાં સૂચવાયેલું પગલું લેતાં લોકોને ચેતવ્યા,— જોકે એ સજ્જનો પણ આકારણીની તો વિરુદ્ધ જ હોવાનું જાણવામાં છે,— તેમના કરતાં તમારું વલણ જુદું જણાય છે.

૩. તમે લખો છો કે સરકારી મહેસુલી નીતિને લઈ ગુજરાતને ઘણું ખમવું પડ્યું છે એ વસ્તુ ગવર્નર-ઈન-કાઉન્સિલ કોઈ પણ રીતે સ્વીકારી શકતા નથી, અને તેઓ નામદાર તો આ આકરણીને મંજૂરી આપતા સરકારી ઠરાવમાં જે કહેલું છે કે બીજી આકારણી સુધીનાં વર્ષોમાં આ તાલુકાનો ઇતિહાસ સતત વધતી જતી આબાદીનો હશે એ કથનને ફરી ભારપૂર્વક વળગી રહે છે. છેલ્લાં ત્રીસ વરસનો બારડોલી તથા ચોર્યાસી તાલુકાનો ઇતિહાસ આ આગાહીનું પૂરતું સમર્થન કરે છે.

૪. તમે જણાવો છો કે આકારણી નક્કી કરવામાં સરકારની સ્પષ્ટ ફરજ હતી કે જે લોકોને મહેસૂલ ભરવું પડવાનું છે તેમને સરકારે બધી બાબતોની જાણ કરવી જોઈતી હતી, અને સરકારી અમલદારોને સૂચના આપવી જોઈતી હતી કે ગામના પ્રતિનિધિઓ સાથે ખૂબ મસલત કર્યા વિના અને તેમના અભિપ્રાયોને યોગ્ય વજન આપ્યા વિના તેઓ કોઈ પણ જાતની ભલામણો ન કરે. તમે ઉમેરો છે કે સરકારી અમલદારોએ આવું કશું કર્યું નથી. તમને એટલી તો ખબર હશે જ કે સૂરત જિલ્લાના જે પ્રાન્તમાં બારડોલી તાલુકો આવે છે, તે પ્રાન્ત રેવન્યુ ખાતાના અનુભવી અમલદાર મિ. એમ. એસ. જયકરના હવાલામાં હતો અને તેમણે આ આકારણી તૈયાર કરેલી છે. દસ મહિના સુધી તેઓ તાલુકામાં ફર્યા છે અને દરેક ગામની તેમણે બરાબર તપાસ કરી છે. તેમણે ગામેગામ

૩૫૬