પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૩૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
 


સત્યાગ્રહ કરવાનો ઠરાવ કરવાની તૈયારી કરીને આવેલા અને મારી સૂચનાને માન આપીને જ તેઓ ૧૨ મી તારીખ સુધી પોતાનો નિર્ણય મુલતવી રાખવા કબૂલ થયેલા એ બીના તમારા ધ્યાનબહાર રહી જણાય છે. મેં આ હકીકત મારા કાગળમાં સ્પષ્ટપણે જણાવી હતી. જવાબમાં મારા આટલી અગત્યના કાગળને રેવન્યુ ખાતા તરફ મોકલવામાં આવ્યો છે એમ જણાવતાં મામુલી પહોંચના કાગળ ઉપરાંત મજકૂર તારીખ સુધી જ્યારે કશો વધુ જવાબ મને ન મળ્યો ત્યારે મારે એવું અનુમાન કાઢવું જ રહ્યું હતું કે ખાતાએ મારા કાગળ પર ધ્યાન આપવાની જરૂર નથી જોઈ. જો તેમ નહોતું તો મારા કાગળનો વીગતવાર જવાબ તમે આપવાના છો એવી ખબર મને તા. ૧૨ની પહેલાં તારથી અગર બીજી રીતે કરવાને રસ્તા તમારે માટે ખુલ્લા હતા.

તા. ૧૬ મી જાનેવારીના ‘યંગ ઇંડિયા ’માં બારડોલી પરિષદનો જે સત્તાવાર અહેવાલ છપાયો છે તે પરથી તમે જોશો કે મારા ભાષણમાં મેં કહેલું કે જો સરકારે આપણી વષ્ટિ ચાલે ત્યાં સુધી મહેસૂલવસૂલી મુલતવી રાખવાના હુકમ કાઢ્યા હોત તો હું પણ રાહ જોવા આનાકાની ન કરત. ધારાસભાના સભ્યની બાબતમાં તો મારે એટલું જ કહેવાનું છે કે પહેલી જ સભા વખતે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ પોતાને સૂઝ્યા તે બધા ઉપાયો અજમાવી ચૂક્યા છે, અને છેવટે ખેડૂતોને મારી પાસે જવાની સલાહ આપવા સિવાય બીજો કોઈ માર્ગ તેમને જડ્યો નથી. વળી, ખેડૂતોને તેઓ જે પગલું લેવા માગતા હતા તેનાં પરિણામને લગતી મેં આપેલી ચેતવણી મજકૂર સદ્‌ગૃહસ્થોએ આપેલી ચેતવણી કરતાં કદાચ વધુ જ આકરી હતી.

ગુજરાત કેટલું ખમે છે ?

3. તમારા કાગળના પૅરા ૩ માં તમે જે કહ્યું છે તેનો જવાબ આપવામાં હું તમે ધારણ કરેલા ધોકાપંથી સૂરની હરીફાઈ નહિ કરું. હું બીજી બાબતોમાંથી થોડીક આગળ તરી આવતી બાબતો પર જ નામદાર ગવર્નરસાહેબનું ધ્યાન ખેંચીશ. તે એ કે :

(ક) ગુજરાત એ આખા ઇલાકામાં સૌથી આકરામાં આકરાં જમીનમહેસૂલ ભરનારો પ્રાંત છે. આ સર્વ પક્ષે કબૂલ રાખેલી બીના છે.

(ખ) ખેડા જિલ્લાના કેટલાયે તાલુકાઓમાં હાલની પૂરી થયેલી મહેસૂલઆકારણીના ગાળા દરમ્યાન મજકૂર આકારણીને પરિણામે જે સ્થિતિ ઊભી થઈ તે સરકારને પોતાને પણ એટલી આકરી લાગેલી કે તેમને મજકૂર ગાળામાં સંખ્યાબંધ ગામડાંને અવારનવાર ૧૬ ટકા છૂટની

૩૬૦