પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૩૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
 


કદી કાઢ્યા જ નહિ. આમ જુલાઈમાં જ નવી આકારણી દાખલ થવામાં સેટલમેંટના મહત્વના કાયદાનું ઉલ્લંધન થયું છે, અને જે ગામોના વાંધાઓ માગવામાં આવ્યા તેમની ઉપર ચાલુ વરસે નવા વધારાની આકારણી એ પણ ગેરકાયદે છે.

૯. તમારા કાગળના ૭ માં પૅરામાં તમે જે કંઈ કહ્યું છે તેને માટે હું તમારો આભારી છું. દિલગીરી એટલી જ કે તેમ કરવામાં તમે જે ભાષા વાપરી છે તે સરકારના એક જવાબદાર અમલદારને શોભતી નથી. તમે મને તેમજ મારા સાથીઓને ‘બહારના લોક’ લેખતા જણાઓ છો. હું મારા પોતીકા લોકોને મદદ કરી રહ્યો છું એના રોષમાં તમે એ વાત ભૂલી જાઓ છો કે જે સરકારની વતી તમે બોલો છે તેના તંત્રમાં મુખ્યપદે બધા ‘બહારના લોક’ જ ખદબદે છે. હું તો તમને કહી જ દઉં કે જોકે મને પોતાને હિંદુસ્તાનના કોઈ પણ ભાગ જેટલો જ બારડોલીને પણ રહીશ સમજું છું, છતાં ત્યાંના દુ:ખી રહેવાસીઓને બોલાવ્યો જ હું ત્યાં ગયો છું અને કોઈ પણ ક્ષણે મને રજા આપવી એ એમના હાથમાં છે. હું ઇચ્છું છું કે તેમના હીરને અહોરાત્ર ચૂસનાર, બહારથી આવેલા ને તોપબંદુકને જોરે લદાયેલા આ રાજ્યતંત્રને પણ તેટલી જ સહેલાઈપૂર્વક રજા આપવાનું એમના હાથમાં હોત.

૧૦. અંતમાં એક નિષ્પક્ષ પંચ નીમવાની મારી સૂચનાનો ફરી એકવાર હું ઉચ્ચાર કરું છું, અને જો નામદાર ગવર્નર સાહેબ મારી સૂચના સ્વીકારવા ખુશી હોય તો હું તાલુકાના લોકોને જૂનું મહેસૂલ તાબડતોબ ભરી દેવા સલાહ આપીશ.

૧૧. નામદાર ગવર્નરસાહેબની સંમતિ હોય તો આ પત્રવહેવાર હું પ્રગટ કરવા માગું છું.

તમારો વિશ્વાસુ,
હું છું,
વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ
 


સરકારના છેલ્લો જવાબ

જે. ડબલ્યુ. સ્મિથ, આઈ. સી. એસ.

મુંબઈ સરકારના રેવન્યુ ખાતાના સેક્રેટરી તરફથી

શ્રીયુત વલભભાઈ ઝ. પટેલ જોગ

મુંબઈ, તા. ૨૭ ફેબ્રુઆરી, ૧૯૨૮
 

સાહેબ,

તમારા ૨૧મી તારીખના કાગળની પહોંચ સ્વીકારવાનું ગવર્નર અને તેની કાઉન્સિલ તરફથી મને ફરમાવવામાં આવ્યું છે.

૩૬૬