પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૩૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
લડત કેમ મંડાઈ?
 


૨. તમારા કાગળના ત્રીજા ફકરામાં તમે નામદાર ગવર્નરસાહેબનું કેટલીક બાબતો પર ખાસ ધ્યાન ખેંચ્યું છે. પ્રથમ તો તમે એવો દાવો કર્યો છે કે આખા મુંબઈ ઇલાકામાં ગુજરાત પ્રાંતમાં સૈાથી વધારેમાં વધારે જમીનમહેસૂલ આકારવામાં આવ્યું છે. આ સર્વસામાન્ય કથન સત્ય હો કે ન હો, પણ બારડોલી તાલુકામાં હાલ જમીનમહેસૂલ વધારેપડતું છે એમ સરકાર કોઈ પણ રીતે સ્વીકારવા તૈયાર નથી.

નાશિક જિલ્લાના બાગલાણ તાલુકામાં લગભગ આ જ દર, અને કેટલાક બીજા તાલુકામાં આના કરતાં પણ વિશેષ દર, વસૂલ કરવામાં આવે છે. આ તો ગણોત અને મહેસૂલના પ્રમાણને હિસાબે ગણતરી થઈ. પણ જો વીઘે અમુક રૂપિયાનો હિસાબ ગણીએ તો બારડોલીનો વીઘે આકાર ચોર્યાસી અને બીજા કેટલાક તાલુકા કરતાં વધારે આવે છે.

તમે ખેડા જિલ્લાની આકારણી વિષે ઉલ્લેખ કર્યો છે. ખેડા જિલ્લાના સંજોગો અને પરિસ્થિતિ અને ખેડા જિલ્લાથી દૂર અને તદ્દન નિરાળા જ જિલ્લામાં આવેલા બારડોલી તાલુકાના સંજોગો અને પરિસ્થિતિ વચ્ચે શો સંબંધ છે એ સરકાર સમજી શકતી નથી.

“બારડોલીએ દેવાળું નથી કાઢ્યું?

તમારા ત્રીજા મુદ્દામાં તમે પોતે કબૂલ કરો છો કે સૂરત જિલ્લાની વસ્તી વધી છે. અને બારડોલી તાલુકામાં તો માત્ર જનસંખ્યામાં નહિ, પણ ઢોરસંખ્યામાં પણ છેલ્લાં ત્રીસ વરસમાં ઠીકઠીક વધારો થયો છે એમ સેટલમેંટ રિપોર્ટ પરથી સાબિત થાય છે. તેથી સરખામણી કરવા માટે ગુજરાતના બીજા જિલ્લાઓના આંકડાઓના ઉતારાઓ કરવામાં તમારો શો ઉદ્દેશ હશે એ સરકાર કળી શકતી નથી. કદાચ એમ કરવામાં સરકાર પર નીચેનો કટાક્ષ સહેજે થઈ શકે એ જ તમારો હેતુ હશે : ‘શું આ જિલ્લાને પણ બીજા કસહીન જિલ્લાઓની હારમાં બેસાડવાનો ઇરાદો તો નવા મહેસૂલવધારાના મૂળમાં ન હોય ?’

સરકારના હેતુ અને કાર્યનો આવો અવળો અનર્થ કોઈ પણ જાહેર પુરુષે કદી પણ કર્યો હોય એવો એક પણ દાખલો ગવર્નર અને તેની કાઉન્સિલને યાદ નથી આવી શકતો.

ખેડૂતો પર દહાડેદહાડે વધતા જતાં દેવાંનો પ્રશ્ન તમે ચોથા મુદ્દામાં ઉઠાવેલ છે. પણ આ બાબતમાં સરકાર જૂના કે નવા આંકડા સ્વીકારવા જ તૈયાર નથી. દીવા જેટલું એ તો સ્પષ્ટ જ છે કે બારડોલીની પ્રજાએ દેવાળું કાઢ્યું નથી, તેમજ તે દેવાળા કાઢવાની અણિ પર પણ આવેલી

૩૬૭