પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૩૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પરિશિષ્ટ ૨

સરકારની ધમકીઓ

૩૧ મી મેનું સરકારી જાહેરનામું

વેચાયેલી જમીન પાછી ન મળે

બારડોલી તાલુકાના અને વાલોડ મહાલના ખેડૂતોએ બહારના લોકોની મદદથી ગયા ફેબ્રુઆરીથી નવી જમાબંધી મુજબનો સરકારધારો ભરવાનો એકસામટો ઇનકાર કર્યો છે. સેટલમેંટ ઑફિસરે ૩૦ ટકાનો વધારો સૂચવ્યો હતો, સેટલમેંટ કમિશનરે ૨૯ ટકાની ભલામણ કરી હતી, સરકારે ખૂબ કાળજીપૂર્વક તપાસ કર્યા બાદ અને ખેડૂતો તેમજ ધારાસભાના કેટલાક સભ્યો તરફથી ઉઠાવવામાં આવેલા વાંધાઓનો પૂરેપૂરો વિચાર કરીને છેલ્લાં ત્રીસ વર્ષથી ચાલતા આવેલા જૂના મહેસૂલ ઉપર ૨૦ ટકાનો વધારો ઠરાવ્યો હતો. એપ્રિલની અધવચ સુધી તો મહેસૂલી અધિકારીઓએ ફક્ત ચોથાઈ નોટિસો જ કાઢી હતી, અને જપ્તીના પ્રયત્નો માત્ર જ કર્યા હતા. પણ વ્યવસ્થિત રીતે અખાડા થવાથી, ઘરોને તાળાં લગાડેલાં હોવાથી તેમજ ગામના પટેલોને અને વેઠિયાઓને બહિષ્કાર તથા નાતબહારની ડરામણી દેવાયાથી જપ્તીની ગોઠવણ તૂટી ૫ડી હતી.

સરકારે એ પછી નાખુશી સાથે જમીન તથા ભેંસ અને જંગમ મિલકત જપ્ત કરવાનું વ્યવસ્થિત રીતે શરૂ કર્યું. જપ્તીના કામ માટે તથા જપ્ત કરેલાં ઢોરોની સંભાળ રાખવા માટે મામલતદાર અને મહાલકરીઓની મદદમાં ૨૫ પઠાણો મેળવવામાં આવ્યા હતા. આ

૩૭૭