પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૩૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
 


પઠાણોની સામે બિનપાયાદાર આક્ષેપો મૂકવામાં આવ્યા છે. સરકારને ખાતરી છે કે એમની ચાલચલગત દરેક રીતે નમૂનેદાર છે. જપ્તીમાં લેવાયેલી ભેંસોની સંભાળ રાખવા માટે મોટાં થાણાં ઉપર, અને મામલતદાર તથા ચાર મહાલકરીઓની દેખરેખ નીચે જપ્તી કરવા માટે પાંચપાંચની ટુકડીમાં તેમને રોકવામાં આવ્યા છે. સરકારના એક જવાબદાર અમલદારની દેખરેખ નીચે પાંચપાંચની પાંચ ટુકડીઓમાં કામ કરતા પઠાણો, કેટલાંક છાપાંમાં આક્ષેપ કરવામાં આવ્યો છે તેમ ૯૦,૦૦૦ વસ્તીને, ત્રાસ પમાડી શકે એ ખ્યાલ માત્ર પણ માનવા જેવો નથી. આમ છતાં, અસહકારી આગેવાનો વેઠિયાઓને દમદાટી આપતા બંધ પડશે અને તેમને તેમનું કાયદેસરનું કામકાજ કરવા દેશે, એટલે પઠાણોને રાખવાની જરૂરત રહેશે નહિ અને તેમને પાછા મોકલી દેવામાં આવશે.

મહેસૂલ નહિ ભરનારા બિનખાતેદારોને જપ્તીની નોટિસ આપવામાં આવી છે, અને સાથે ચેતવણી પણ આપવામાં આવી છે કે તેમને આપવામાં આવેલી નોટિસની મુદ્દત પૂરી થતાં તેમની જમીનો પડતર તરીકે સરકારમાં નોંધવામાં આવશે તેમજ વખત આવ્યે એના માગનારને વેચી દેવામાં આવશે; અને આવી રીતે વેચી દેવામાં આવેલી જમીનો ફરીથી તેમને પાછી આપવામાં નહિ આવે.

આજ તારીખ સુધીમાં આવી ૧,૪૦૦ એકર જમીનનો નિકાલ કરી દેવામાં આવ્યો છે, અને બીજી ૫,૦૦૦ એકર જેટલી જમીન તેના ઉપરની મહેસૂલ બાકી જલદીથી ભરવામાં નહિ આવશે તો સમય થયે વેચી નાંખવામાં આવશે.

આ બધી જમીન ખરીદવા માટે હિંદુ, મુસલમાન અને પારસી અરજી આપે છે, અને અરજી આપનારા ઉમેદવારોમાંના ઘણા તો સૂરત જિલ્લાના જ રહેવાવાળા છે. આ ઉપરથી ખુલ્લું છે કે આ ઉમેદવારોને મહેસૂલ ભારે છે અને તેઓ તે ભરી શકશે નહિ એવો કશો જ ભય નથી.

મોટી જમીન ધરાવનારા ખાતેદારોની જમીનનો નાનો ટુકડો એવી જ રીતે પતાવી દેવામાં આવ્યો છે.

બીજા ખેડૂતોની હોય એવી જમીનોને જપ્ત કરવા વિષેની નોટિસો કાઢવામાં આવી છે અને કેટલાક દાખલાઓમાં વેચાણની જાહેરાત પણ કરવામાં આવી છે. આવી રીતે જેમનો નિકાલ કરવામાં આવ્યો છે એવી જમીનનું ક્ષેત્રફળ સારું જેવું છે.

સરકાર બારડોલી અને વાલોડના ખેડૂતોનું આ સત્ય હકીકત તરફ ધ્યાન દોરવા ઇચ્છે છે. અસહકારી આગેવાનો કહેતા હતા કે સરકારને

૩૭૮