પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 


દરબારસાહેબ; મોહનલાલ પંડ્યા અને રવિશંકરને પણ તેઓ પોતાની મદદમાં લાવ્યા હતા. શ્રી. વલ્લભભાઈ સાથે વાતો થઈ, તેમની રીત મુજબ તેમણે પોતાની મેડી ઉપર આંટા મારતાં મારતાં કહ્યું, ‘ઠીક તમે જાઓ બાપુ પાસે. હું તમારી પાછળ આવ્યો.’ ‘બાપુ’ની સંમતિ વિના તો આવી લડત કેમ જ ઉપાડાય ? ગાંધીજીને કાને તે બધી વાતના ભણકારા આવી ચૂકેલા હતા. તેમણે અત્યારસુધી ઉત્તેજન નહોતું આપ્યું, ‘વલ્લભભાઈ કહે તે કરો,’ એવી જ વાત જે મળ્યા તેને કરી હતી. આ વેળા તેમની સાથે ઠીકઠીક વાતો થઈ. વિદ્યાપીઠમાં ગાંધીજીને ત્રણ વાગે જવાનું હતું. આ આગેવાનોને ગાંધીજીએ વિદ્યાપીઠ જતાં રસ્તામાં વાત કરવાનો સમય આપ્યો હતો. કલ્યાણજીભાઈ એ વાત માંડી, લોકો નરમગરમ છે એમ જણાવ્યું. વધારો ન ભરવાને તો સૌ કોઈ રાજી છે એમ પણ ઉમેર્યું.

ગાંધીજી : એટલે ?

કલ્યાણજી : મહેસૂલમાં ૨૨ ટકા વધ્યા છે તે ૨૨ ટકા ભરવાના રાખી મૂળ મહેસૂલ ભરી દેવું એટલી વાત ઉપર લોકો તૈયાર છે.

ગાંધીજી : એ તો ભયાનક છે. તમારે જ પૈસે સરકાર તમારી સાથે લડી લેશે અને પૈસા વસૂલ લેશે. જો લડત માંડવી હોય તો તે એવી જ શરત કરીને મંડાય કે મૂળ મહેસૂલ ભરવાને તૈયાર છીએ પણ તમે વધારો રદ ન કરો ત્યાં સુધી એક પાઈ ન આપીએ. આ રીતે કરવાને લોકો તૈયાર છે ?

કલ્યાણજી : કસબાનાં ગામોમાં કસ નથી, વાણિયા ભાઈઓને વસવસો છે, એવો ડર પણ રહે જ કે બધી જમીન ખાલસા કરી મૂળ માલિક રાનીપરજ લોકોને તે પાછી સોંપી દેવામાં આવે. બીજા લોકોમાંથી ઘણા પૂરું મહેસૂલ ન ભરવાને તૈયાર છે એમ અમને અમે જેટલાં ગામ ફર્યા તે ઉપરથી લાગ્યું.

ગાંધીજી : વારું, લડવાને તૈયાર છે એમ કબૂલ કરીએ. પણ મહેસૂલનો પ્રશ્ન એમનો સાચો છે કે ? સરકાર ન કબૂલ કરે પણ દેશને સરકારનો અન્યાય ગળે ઊતરશે કે ?

૩૨