પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૪૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
 


પરિણામે સમાધાની થઈ શકે નહિ. આમ છતાં, માનવંતા સભાસદોને હું યાદ દેવા ઈચ્છું છું કે તેમને, અને ખાસ કરીને બારડોલી તાલુકામાં રહેતા લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિરૂ૫ સભ્યોનો, તેમના મતદારોની વતી અને તેમના હિતમાં બોલવાનો બંધારણપુરઃસરનો અધિકાર છે. તે સભ્યોનાં અને આ સભાના માનવંતા સભાસદોનાં મનમાં ખેડૂતોના કલ્યાણનો જ વિચાર આગળપડતો હશે એ વિષે મને ખાતરી છે, અને હું ખરા દિલથી વિશ્વાસ રાખું છું કે માનવંતા સભાસદો આ વિષય વિષે આ જ વિચારોથી પ્રેરાશે. નિઃસંશય, આ વસ્તુસ્થિતિને વધુ ચાલવા દઈ શકાય જ નહિ, અને આખરી નિર્ણય જેમ બને તેમ જલદી થવો જ જોઈએ. સરકાર આથી લાગતાવળગતા સભ્યોને જણાવે છે કે ફેરતપાસને માટે અવશ્ય પળાવી જોઈએ એવી શરતો તેઓ તેમના મતદારોની વતી સ્વીકારે છે કે નહિ તે તેમણે આજથી ચૌદ દિવસમાં નામદાર મહેસૂલખાતાના સભ્યને લખી જણાવવું.

હું નથી માની શકતો કે આ શરતોના ઈનકારથી આવતાં પરિણામો જેવાં કે ખેડૂત ઉપર પડતી જબરી હાડમારી, ઊભી થતી કડવાશની લાગણી અને સરકાર તેમજ લોકો વચ્ચે આવી લડતનું આવતું ચોકસ પરિણામ — જોતાં આ શરતો ફેંકી દેવામાં આવે, છતાં પણ, હું સાફ કહેવાની ફરજ સમજું છું કે આ શરતો સ્વીકારવામાં નહિ આવે, અને પરિણામે સમાધાની સધાચ નહિ, તો સરકાર કાયદાની પૂર્ણ સત્તા જાળવવા માટે જરૂરી અને વાજબી લાગે એવાં પગલાં લેશે, અને સરકારની કાયદેસરની સત્તા હરરસ્તે પળાય એટલા સારુ પોતાની સર્વ શક્તિઓનો તે ઉપયોગ કરશે. ખાનગી વ્યક્તિઓ કાયદાથી ઉપરવટ રહેવાનો પ્રયત્ન કરે કે બીજાઓને તેમ કરવાને પ્રેરે એવાં બંધારણોમાં ભાગ લે તે ન તો મુંબઈ સરકાર કે ન તો કોઈ પણ બીજી સરકાર સાંખી શકે. આવું ચાલવા દેવું એટલે સરકારનો મૂળમૂદ્દેથી છેદ ઉરાડી દેવો; અને સરકાર નામને લાયક એવી કોઈ પણ સરકાર, કોઈ પણ દેશમાં, આવાં કામને અટકાવવા કે દબાવવા પોતાની સર્વસત્તા ન અજમાવે એ કલ્પનામાં પણ ન આવી શકે — પછી ભલેને આના પરિણામો ગમે તે આવે.

મેં આ ઉદ્‌ગારો કાઢ્યા છે તે કોઈ પણ રીતે ધમકી તરીકે લેખવાના નથી. મારા મનમાં એવું કશું જ નથી. એ વસ્તુસ્થિતિની માત્ર રજૂઆત છે. છતાં મારી સ્પષ્ટ ફરજ છે કે સરકારની સ્થિતિ વિષે ફરીવાર ગેરસમજ કે ખોટી રજૂઆત થાય નહિ એટલા ખાતર મારે એ આ માનવંતી સભાને અને બારડોલી તાલુકાની રૈયતને ખુલ્લું કહેવું જોઈએ.

૩૮૨