પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫ મું
બારમી ફેબ્રુઆરી
 

 જવાબદારીવાળા માણસો હતા, સારા સારા ખાતેદારો હતા, ત્રણસેંથી પાંચસેં રૂપિયા સુધી ધારો ભરનાર ખાતેદારો હતા. એક પારસી સજ્જન તો ૭૦૦ રૂપિયા ભરનારા હતા. આ લોકોના મોટાભાગે આગ્રહપૂર્વક જાહેર કર્યું કે વધારેલું મહેસૂલ અન્યાય છે અને ન જ ભરવું જોઈએ. શ્રી. વલ્લભભાઈએ એક પછી એક માણસ લઈને સવાલ કર્યા. પાંચ ગામોના માણસો એવા હતા કે જેમણે જાહેર કર્યુ : ‘અમે જૂનું મહેસૂલ ભરી દઈએ, અને બાકીનું ચાહે તે રીતે વસૂલ કરવાની સરકારને હાકલ કરીએ.’ બીજા બધા સરકાર નમતું મૂકે નહિ, અથવા જૂનું લેવાને તૈયાર ન થાય ત્યાં સુધી કશું જ ન ભરવાની તરફેણમાં હતા. લોકો નિખાલસતાથી વાત કરતા. એક રાનીપરજ ખેડૂત કહે : ‘ટકી તો રે’હું, પણ છરકારનો તાપ ન્હીઓ જીરવી હકાય.’ બીજો એક જણ બોલ્યો : ‘સરકાર થાય તે કરે, બીજાનું સૂઝે તે થાય, હું તો નહિ ભરું.’ એક ગામવાળા કહે : ‘અમારે ત્યાં અર્ધું ગામ અસહકારી છે, અર્ધું સહકારી છે. પેલા અમે કરીએ તેથી અવળું જ કરનારા રહ્યા.’ એક જણ કહે : ‘અમારા ગામમાં હિંદુમુસલમાનો બધા એક છે, માત્ર ૨૫ ટકા મુસલમાન નથી ભળ્યા.’ બીજો એક જણ કહે : ‘ચાર જણ પણ સાચા હશે તો આખો તાલુકો ટકશે.’ ‘ચાર જણ કોણ ?’ ‘ચાર આગેવાન,’ ‘એમાં તમે ખરા કે નહિ ?’ ‘ના, સાહેબ, હું તો ચાર પછી ચાલનારો.’ એટલે શ્રી વલ્લભભાઈ કહે : ‘તો ચાર આગેવાન ઊભા થાઓ જેઓ મહેસૂલવધારા સામે થતાં ખુવાર થવાને તૈયાર હોય.’ એટલે ટપાટપ ચાર જણ ઊભા થયા !

દરમ્યાન જૂનું મહેસુલ ભરવાના પક્ષવાળા પેલાં પાંચ ગામના પ્રતિનિધિઓ બીજાની સાથે બેસીને ચર્ચા ચલાવી રહ્યા હતા, તેઓ આખરે નિર્ણય ઉપર આવ્યા કે આખું મહેસૂલ ભરવામાં આખા તાલુકાની સાથે રહેવું.

આમ બધાની ખૂબ તપાસ કર્યા પછી પણ શ્રી. વલ્લભભાઈ પટેલે જાહેર ભાષણમાં લોકોને ખૂબ ચેતવણી આપી : ‘મારી સાથે ખેલ ન થાય. બિનજોખમી કામમાં હું હાથ ઘાલનારો નથી.

૩૫