પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 

 જેને જોખમ ખેડવાં હોય તેની પડખે હું ઉભો રહીશ. ૧૯૨૧ માં આપણી કસોટી થવાની હતી, પણ ન થઈ. હવે સમય આવ્યો છે. પણ તમે તૈયાર છો ? આ એક તાલુકાનો પ્રશ્ન નથી, અનેક તાલુકાઓ અને અનેક જિલ્લાઓનો છે. તમે હારશો તો બધાનું ભાવી બગડશે.’ એવી એવી ખૂબ વાતો સંભળાવી, અને આખરે સાત દિવસ વધારે વિચાર કરવા, શાંતિથી બધાં જોખમોનો વિચાર કરી નિશ્ચય કરવા લોકોને સલાહ આપી.

દરમ્યાન તેમણે સરકારની સાથે મસલત કરવાનું પણ જણાવ્યું, અને નિષ્પક્ષ પંચ નીમવાની સૂચના સરકાર સ્વીકારે તો સત્યાગ્રહ કરવાનું પગલું લેવાની જરૂર ન પડે એમ જણાવ્યું. સભામાં હાજર રહેલા ધારાસભાના ત્રણ સભ્યોએ પરિષદમાં કેવળ હાજરી જ નહોતી આપી. તેમણે પોતાના ભાષણમાં જણાવ્યું કે તેમનાથી લઈ શકાય તેટલાં પગલાં તેઓ લઈ ચૂક્યા, અને તેમાં ન ફાવ્યા એટલે હવે સત્યાગ્રહને પંથે તેમને દોરી શકે એવા નેતાને ખેડૂતોને સોંપતાં તેમને આનંદ થાય છે.

આ પછી શ્રી. વલ્લભભાઈ અમદાવાદ ગયા, અને તા. ૬ ઠ્ઠી ફેબ્રુઆરીએ ગવર્નરસાહેબને કાગળ લખી આખી વસ્તુસ્થિતિ વર્ણવી, સરકારની જમીન મહેસૂલની નીતિને લીધે કમનસીબ ગુજરાતને કેટલું વેઠવું પડ્યું છે તે જણાવ્યું, અને લખ્યું : ‘મારી વિનંતિ એટલી જ છે કે લોકોને ન્યાય આપવા ખાતર સરકાર ઓછામાં ઓછું એટલું કરે કે નવી આકારણી પ્રમાણે મહેસૂલ વસૂલ કરવાનું હમણાં મુલતવી રાખે અને આ કેસ નવેસરથી તપાસી જાય. એ તપાસમાં લોકોને પોતાની હકીકત રજૂ કરવાની તક મળે, અને તેમની રજૂઆતને પૂરતું વજન આપવાની ખાતરી આપવામાં આવે.’ સાથે સાથે એમ પણ જણાવ્યું : ‘આ લડત જે તીવ્ર સ્વરૂપ પકડે એવો સંભવ છે તે અટકાવવી આપના હાથમાં છે, અને તેથી આપને માન સાથે આગ્રહ કરું છું કે લોકોને પોતાનો કેસ નિષ્પક્ષ પંચ સમક્ષ રજૂ કરવાની તક આપો. આપ નામદારને એમ લાગે કે આ બાબતમાં રૂબરૂ મળવા જેવું છે તો બોલાવો ત્યારે આપને મળવા આવવા હું તૈયાર છું.’

૩૬