પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાયહનો ઇતિહાસ
પ્રકરણ
 


આ પછી વલ્લ્ભભાઈ ભરી સભામાં ગયા. ઉપરની જ વસ્તુ જરા વધારે વિસ્તારથી સભાને સમજાવી :

“મેં સરકારને કાગળ લખ્યો હતો, અને તેમાં નિષ્પક્ષ પંચ નીમવાની તેમને ભલામણ કરી હતી. તેનો જવાબ મને એવો મળ્યો છે કે તમારો કાગળ રેવન્યુ ખાતામાં વિચાર અને નિકાલ માટે મોકલ્યો છે. એ જવાબ જ ન કહેવાય. સરકારનો જમીનમહેસૂલનો કાયદો ભારે અટપટો અને ગૂંચવણભરેલો છે. એ એવી રીતે ઘડેલો છે કે સરકાર તેનો જ્યારે જેવો ધારે તેવો અર્થ કરી શકે. જુલમીમાં જુલમી રાજ્યમાં થઈ શકે એવો આ કાયદો છે, એટલે કે તેમાંથી જેવો અર્થ જોઈતો હોય તેવો અમલદારો ઉપજાવી શકે.

ગઈ વખતે મહેસૂલવધારાનો અન્યાય મેં તમને સમજાવ્યો. પણ એ વધારો અન્યાય નહિ પણ ગેરકાયદેસર પણ છે. કલમ ૧૦૭ પ્રમાણે આજે મહેસૂલ આકારાય છે ને લેવાય છે. તે કલમની રૂએ ખેડૂતને નીપજ થાય તે ઉપર જે ફાયદો રહે તેના ઉપર મહેસૂલ આકારવાનું ધોરણ મૂકેલું છે. આ ધોરણની વિરુદ્ધ તે બધું કાયદાવિરુદ્ધ ગણાય. એટલે આ વર્ષે બારડોલી તાલુકા પર સરકારે જે નવી આકારણી કરેલી છે તે જમીનમહેસૂલના કાયદાની વિરુદ્ધ જઈને કરેલી છે. મુદ્દાની વાત એ છે કે સેટલમેન્ટ ઑફિસરે, જેમણે આ તાલુકાની સ્થિતિની મૂળ તપાસ કરીને સરકારમાં રિપોર્ટ રજૂ કર્યો તેમણે તો કાયદાને વળગીને જ કામ કરેલું. જોકે મને પોતાને તો એની વિરુદ્ધ પણ ખૂબ ફરિયાદ છે. સેટલમેન્ટ ઑફિસરે પોતાનો જે રિપોર્ટ કર્યો તે ૧૦૭ મી કલમને આધારે જ કરેલો, છતાં જ્યારે તે રિપોર્ટ સેટલમેન્ટ કમિશનર પાસે ગયો ત્યારે તેમણે તેને સાવ ફેરવી નાંખ્યો, ને કોડની કલમને ઊંચી મૂકી ભાડાની આંકણી અથવા ગણોતના દર વધ્યા છે એટલી જ બીના ઉપર આંકણીનું ધોરણ રચ્યું. સરકારે પણ આમ થઈ શકે કે નહિ તે કાયદાની દૃષ્ટિએ વિચારવાનું બાજુએ મેલી કમિશનરની ભલામણને ધોરણે જ ગામોનાં વર્ગીકરણની રચના ફેરવી નાંખી. તેમ થતાં જે ગામો નીચલા વર્ગમાં હતાં તે ઉપલા વર્ગોમાં મુકાયાં, અને પરિણામે મૂળ રિપોર્ટની આકારણીને ધોરણે જેમના ઉપર ર૦ ટકા વધારો આવતો હતો તેમના ઉપર ૬૦ ને ૬૬ ટકા સુધી વધારો ચોંટ્યો. જે ગામડાં ઉપર આવો અણધાર્યો બોજો નાંખવામાં આવ્યો તેમને તો ખબર પણ નથી અપાઈ કે તમારું આમ થયું, નથી તેમની પાસેથી આ સામેના વાંધા માંગવામાં આવ્યા. જે કંઈ કર્યું છે તેમાં માત્ર ઉતાવળ ને ભૂલો જ કરી છે. સરકારને ઓણસાલ જ નવી આકારણીનો અમલ કરવાની

૪૦