પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫ મું
બારમી ફેબ્રુઆરી
 


ઉતાવળ હતી. તેણે ધાર્યું કે જો જમીનમહેસૂલના કાયદાની ઝીણવટો ભાગ્યે જ કોઈ સમજતું હોય તેમાં જેમ કરીશું તેમ ચાલશે. જ્યારે આમ કર્યું ત્યારે તમારી જોડે વિચાર કરી લઈને મેં સરકારને કાગળ લખ્યો કે આ બાબતમાં સરકાર તરફની ઘણી ભૂલો થઈ છે. પણ મને જવાબ મળે છે કે તમારો કાગળ વિચાર થવા મોકલ્યો છે ! વિચારમાં ઢીલ થઈ શકે, પણ અહીં હપ્તો શરૂ થયો તેનો વિચાર કોણ કરે ? કાગળનો નિકાલ થતાં સુધી હપ્તો મુલતવી રાખવાનું કહીએ તો સરકાર થોડું જ મોકૂફ રાખે તેમ છે ? આ રાજ્યમાં પૈસો લેવાનો હોય તેમાં મીનમેખ ન થાય; તે તો વખતસર, નિયમસર અને વ્યાજસહિત જ લેવાય. આ સ્થિતિમાં મારે સરકારને વધુ શું કહેવાપણું હોય ? હું તો તમને જ સલાહ આપી શકું ને તે તમારા પોતાના જ જોર પર. આપણે બીજા બધા જ ઉપાયો અજમાવી ચૂક્યા, હવે કોઈ સાંભળે એ આશા ખોટી છે; તો છેવટનો એક જ ઉપાય હવે બાકી રહ્યો છે, અને કોઈ પણ પ્રજા માટે એ એક જ ઉપાય છેવટના તરીકે રહેલો છે. તે બળની સામે બળ. સરકાર પાસે તો હકુમત છે, તો૫બંદૂક છે, પશુબળ છે. તમારી પાસે સાચનું બળ છે, દુઃખ સહન કરવાની શક્તિ છે. આવો આ બે બળનો મુકાબલો છે. તમારી વાત સાચી છે એનું જો તમને બરાબર ભાન હોય, આ અન્યાય છે ને તેની સામા થવું એ ધર્મ છે એ વાત તમારા અંતરમાં ઊગી ગઈ હોય, તો તમારી સામે સરકારની બધી શક્તિ કશું કામ કરી શકવાની નથી. એમને લેવાનું છે ને તમારે દેવાનું છે. તમે સ્વેચ્છાએ હાથથી ઉપાડીને ન આપો ત્યાં સુધી એ કામ કોઈ કાળે બનવાનું નથી. ભરવું ન ભરવું એ તમારી ઇચ્છાની વાત છે. જ્યારે તમે એમ ઠરાવ કરો કે અમે રાતી પાઈ ભરનાર નથી, આ સરકાર મરજીમાં આવે તે કરો, જપ્તી કરો, જમીન ખાલસા કરો, અમે આ આકારણી સ્વીકારતા નથી, તો તે લેવાનું સરકારથી કદી બની શકવાનું નથી. એ કોઈ પણ રાજ્યથી બની શકે તેવું નથી. જુલમીમાં જુલમી રાજ્ય પણ પ્રજા એકત્ર થાય છે ત્યારે તે સામે ટકી શકતું નથી. જો તમે ખરેખર એકમત થઈને નિશ્ચય કરતા હો કે આ મહેસૂલ ખુશીથી કે સ્વેચ્છાએ નથી જ ભરવું તો હું ખાત્રી આપું છું કે આ રાજ્ય પાસે એવું કોઈ સાધન નથી કે જે તમારા નિશ્ચચ તોડાવી શકે ને તમને ભાંગી શકે. એ નિશ્ચય કરવાનું કામ રા. બ. ભીમભાઈ તેમના કાગળમાં કહે છે તેમ તમારું પોતાનું છે. કોઈના ચડાવવાથી, કોઈના કે મારા જેવા ઉપર આધાર રાખીને નિશ્ચય ન કરશો. તમારા જ બળ ઉપર ઝૂઝવું હોય, તમારી જ હિમ્મત હોય, તમારામાં આ લડત પાછળ ખુવાર થઈ જવાની શક્તિ હોય તો જ આ કામ કરજો.

૪૧