પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
તંત્રરચના
“પાણીમાં પેઠા પછી હવે તરવા શીખ્યે જ છૂટકો છે, નહિ તો તળિયે જઈશું.”

સંગ્રામ તો મંડાયા, પણ પછી ? સ્થિતિ તો સામાન્ય માણસને મૂંઝવે એવી હતી. લોકોની મનોદશામાં તત્કાળ પલટો કરવાની જરૂર હતી. આજ સુધી લોકોને એવું વિચારવાની તાલીમ મળી હતી કે વધારા જેટલી રકમ ન ભરવી; જે જે ભાષણો થયાં હતાં તેમાં, ધારાસભાના સભ્યો તરફથી જે સલાહ મળી હતી તેમાં, એ જ વાત કરવામાં આવી હતી, અને એ વાત મોટા ખાતેદારો ફરી ફરીને સંભળાવતા હતા. બારમી પહેલાં જ નબળાપાતળા જે આવતાં તોફાન સામે ટક્કર ઝીલી શકે એવા નહોતા તે મહેસૂલ ભરી ચૂક્યા હતા, અને બારમીના ઠરાવ છતાં પણ કેટલાક તો બારી શોધતા હતા. કેટલાક રાહ જોઈને બેઠા હતા : ‘જોઈએ છીએ, એકાદ મહિનામાં તો ખબર પડી જશે કે લડત કેવી ચાલે છે, પછી આપણે પણ ઠરાવ કરશું.’ આ બધાની પાસે પ્રતિજ્ઞા કરાવવાની હતી.

આખા તાલુકાની અનેક કોમો વચ્ચે પણ મેળ સાધવાનો હતો. પાટીદારોમાં તો નાતનાં બંધારણ હતાં, પણ તે બંધારણને લડતને માટે ઉપયોગમાં લેવાનાં હતાં. નાતના ઘરડાઓ લડતથી જ ડરતા હોય તો તેઓ બંધારણનો લડતને માટે ઉપયોગ કરવા દે ખરા ? રાનીપરજ બિચારા ગરીબ ગાય જેવા — તેમના ઉપર જો સરકાર પહેલો જ હુમલો કરે તો તો તેઓ જ ચુરાઈ જાય. વાણિયાઓ પાસે તો સેંકડો એકર જમીન પડેલી — એ જમીન ખાલસા થાય ત્યાં સુધી તેઓ ટકી રહે ખરા ? ઘણા તો સરકારદરબારે જનારા, સરકારી અમલદારોથી શરમાઈને કામ કરનારા રહ્યા. આ લોકોની પાસે રાનીપરજ લોકોની ઘણી જમીન રહેલી; રાનીપરજના તરફથી જ એ લોકો મહેસૂલ ભરી દે તો પેલા બિચારા શું કરે ? અનાવલા બ્રાહ્મણોનાં થોડાં ગામો તે બધાં લડતમાં જોડાયાં નહોતાં. એ નાતને

૪૪