પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.





સ્પષ્ટીકરણ

“આ લડત અંગ્રેજનું રાજ્ય ઉથલાવવા માટે છે એવું કોઈ કહેતું હોય તો તેને અક્કલ જ નથી. જે વખતે અમે હિંદુસ્તાન દેશમાં લડી મરીએ છીએ તે વખતે અમે રાજ્ય લઈએ તોપણ ભાગોળે જઈને પાછું આપવું પડે.”

લડતની તૈયારી ચાલી રહી હતી ત્યારે સરકાર સાથે પત્રવ્યવહાર પણ ચાલી રહ્યો હતો. ગમે ત્યારે, ગમે તે દશાએ, સરકાર સુલેહ કરવાને તૈયાર હોય તો આપણે તૈયાર હોવું જોઈએ એ જ મનોદશા શ્રી. વલ્લભભાઈએ આખી લડત દરમ્યાન રાખી અને સરકારની કોઈ પણ રીતે ગેરસમજ ન થાય એ વખતોવખત સ્પષ્ટ કરવાની તેમણે તક લીધી.

તા. ૬ ઠ્ઠી ફેબ્રુઆરીએ લખેલા કાગળનો જવાબ આખરે ૧૭ મી ફેબ્રુઆરીએ આવ્યો. આમાં ફરી જણાવવામાં આવ્યું : “નવી જમાબંધીને મંજૂરી આપતાં સરકારી ઠરાવમાં કહેલું છે કે બીજી જમાબંધી સુધીનાં વર્ષોમાં આ તાલુકાનો ઇતિહાસ સતત વધતી જતી આબાદીનો હશે એ કથનને નામદાર ગવર્નર તો ભારપૂર્વક વળગી રહે છે. છેલ્લાં ત્રીસ વર્ષનો બારડોલી અને ચોર્યાસી તાલુકાનો ઇતિહાસ આ આગાહીનું પૂરતું સમર્થન કરે છે.” આ આગાહી કરવી મહેસૂલ લેનારને માટે કેટલી સહેલી અને અનુકૂળ છે ! આ પછી બીજું એક વચન શ્રી. જયકરને પ્રમાણપત્ર આપનારું હતું : “રેવન્યુખાતાના અનુભવી અમલદાર

૫૧