પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭ મું
સ્પષ્ટીકરણ
 


બોલાવ્યો જ હું ત્યાં ગયો છું અને કોઈ પણ ક્ષણે મને રજા આપવી એ એમના હાથમાં છે. એમના હીરને અહોરાત્ર ચૂસનાર અને બહારથી આવીને તોપબંદૂકના જોરે લદાયેલા આ રાજ્યતંત્રને પણ તેટલી જ સહેલાઈથી વિદાય દેવાનું એમના હાથમાં હોત તો કેવું સારું !” આટલાથી કોઈ શાણો માણસ ચેત્યો હોત. પણ સરકારના રેવન્યુખાતાના મંત્રી મિ. સ્માઇથ વધુ ઉશ્કેરાયા, આગલા પત્રને ટપી જાય એવો બીજો કાગળ લખ્યો, તેમાં જણાવ્યું, “બારડોલીની પ્રજાએ દેવાળું કાઢ્યું નથી, તેમજ તે દેવાળું કાઢવાની અણિ પર આવેલી નથી. તાલુકાની વસ્તી વધી છે અને હજુ પણ વધતી જાય છે અને દેવાળાનું એક પણ ચિહ્ન નજરે દેખાતું નથી; ” શ્રી. વલ્લભભાઈ એ ટાંકેલા સરકારી અમલદારોના અભિપ્રાયો “સરકારના સત્તાવાર ઉદ્‌ગારો ન ગણાય,” અને શ્રી. વલ્લભભાઈ અને તેમના સાથીઓને ‘બહારનાઓ,’ કહેવામાં તેમણે સરકારના રેવન્યુ મંત્રી તરીકે નહોતું લખ્યું પણ “આ કાગળથી હું સ્પષ્ટ કરું છું કે આ કાગળની માફક પેલા કાગળમાં પણ નામદાર ગવર્નર અને તેની કાઉન્સિલના જ પાકા વિચારો મૂકવામાં આવ્યા હતા અને છે એમ જ આપ સમજશો;” અને “હજુ આ સબંધી વિશેષ પત્રવ્યવહાર કરવાની તમને જરૂર લાગે તો જિલ્લાના કલેક્ટર મારફત પત્રવ્યવહાર કરશો.”

સરકારની સંમતિ લઈને શ્રી. વલ્લભભાઈએ આ આખો પત્ર-વ્યવહાર વર્તમાનપત્રોને પ્રસિદ્ધ કરવાને આપ્યો, અને એ આપતાં તેમને એક પત્ર લખ્યો તેમાં સરકારની અવળાઈને સારી રીતે ઉઘાડી પાડી, અને બારડોલી સત્યાગ્રહનો ઉદ્દેશ કેટલો પરિમિત હતો તે જાહેર કર્યું : “બારડોલી સત્યાગ્રહનો હેતુ પરિમિત છે. જે બાબત વિવાદાસ્પદ છે એમ આ પત્રવ્યવહારથી પ્રગટ થાય છે તે બાબતમાં નિષ્પક્ષ પંચ માગવાનો સત્યાગ્રહીઓનો હેતુ છે. લોકો તો કહે છે કે બારડોલી તાલુકામાં મહેસૂલ વધારવાને માટે કશું જ કારણ નથી. પણ એ આગ્રહ રાખવાને બદલે મેં તો નિષ્પક્ષ પંચની જ લોકોની અનિવાર્ય માગણી ઉપર આગ્રહ રાખ્યો છે. સેટલમેંટ ઑફિસરના રિપોર્ટના વાજબીપણાનો મેં ઈનકાર કર્યો

૫૩