પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


ગાંધીજીના આશીર્વાદ

“આપણે સરકાર જોડે કજિયો બાંધવાની ખાતર આ લડત નથી માંડી. તેનું વાજબી લહેણું આપણે દુધે ધોઈને ચૂકવી આપવું છે.”


શ્રી.વલ્લભભાઈએ સત્યાગ્રહનો ઉદ્દેશ આવી રીતે સ્પષ્ટ કર્યો એ જરૂરનું હતું, કારણ લડત શરૂ થઈ કે તરત વર્તમાનપત્રો પોતાની ઇચ્છા મુજબ એનું વર્ણન આપવા લાગ્યાં. આ વર્ણનમાં પ્રામાણિક અને અપ્રામાણિક અતિશયતા રહેલી હતી. લડતના પક્ષનાં કોઈ વર્તમાનપત્રો લડતને ‘જૂના બારડોલી કાર્યક્રમના પુનરુદ્ધાર ’ તરીકે અને ‘સવિનય ભંગ’ની અને કર ન ભરવાની લડત તરીકે વર્ણવતાં, તો ‘ટાઇમ્સ’ જેવાં વિરોધી વર્તમાનપત્રો, ગુજરાત પ્રલયસંકટનિવારણ જેવાં ઉત્તમ કાર્યમાં શ્રી. વલ્લભભાઈએ કરેલી ઉત્તમ સેવા કબૂલ કરતા છતાં, “સરકારને મદદ કરવાને બદલે સરકારને ગૂંચવનારી અથવા સરકારના તંત્રને અટકાવનારી હિલચાલના નેતા” તરીકે, અને “ગેરકાયદેસર હિલચાલમાં ગુજરાતના ખેડૂતોને ઉત્તેજન આપીને તેમની ભયંકર અસેવા કરનાર” તરીકે શ્રી. વલ્લભભાઈને વર્ણવવા લાગ્યાં. આની સાથેસાથે આ જ વર્તમાનપત્રે અનેક જૂઠાણાંમાં એક બીજું પણ જૂઠાણું ચલાવ્યું હતું કે ગાંધીજીએ આ લડતમાં ભાગ લીધો નહોતો કારણ તેમને એ લડત પસંદ નહોતી. હિલચાલને હલકી પડવાને માટે અનેક સાધનોમાં જૂઠાણું તો એક સાધન હોય જ. ગાંધીજી હિલચાલને આશીર્વાદ તો આપી ચુકેલા હતા એ સૌ જાણે છે,

પપ