પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮ મું
ગાંધીજીના આશીર્વાદ
 


વલ્લભભાઈના પત્રનું મધ્યબિંદુ, તેઓ નિચોડ આ છે. સરકાર અને લોકોની વચ્ચે આમ પંચ હોય ? સરકાર સર્વોપરી નથી ? આ પ્રશ્ન ઊભો થાય છે. કાયદાના પ્રશ્નમાં તો આ સરકાર પણ કહેવાતી રીતે અદાલતના પિંજરામાં ઊભવા તૈયાર ગણાય છે. મહેસૂલને સરકાર અદાલતની બહાર રાખે છે. આનું કારણ સમજવું સામાન્ય મનુષ્યની અક્કલ બહાર છે. આપણે અત્યારે એ કારણની પંચાતમાં ન ઊતરીએ.

પણ જ્યારે મહેસૂલના પ્રશ્નો સામાન્ય રીતે કાયદા બહાર છે, ત્યારે લોકો વતી વલ્લભભાઈ પંચ ન માગે તો શું કરે ? સરકારને અરજી કરીને બેસી રહેવાની સલાહ આપે ? એવી સલાહ આપવી હોય તોયે લોકોએ જ તેવી બારી વલ્લભભાઈ સારુ ઉઘાડી નહોતી રાખી. તેઓ અરજીઓ કરી ચૂક્યા. અરજી કરી આપવાનું કામ વલ્લભભાઈનું ન મળે, તેથી તેઓ અરજી કરી આપનાર પાસે ગયા. ત્યાં ન ફાવ્યા એટલે વલ્લભભાઈ પાસે સત્યાગ્રહના યુદ્ધમાં સરદારી કબૂલ કરાવવા ગયા.

સત્યાગ્રહના કાનૂન પ્રમાણે વલ્લભભાઈએ સરકારની પાસે વિનયવિષ્ટિ કરી : ‘તમે ખોટા ન હો એમ સંભવે, લોકોએ મને ભોળવ્યો હોય એમ બને. પણ તમે પંચ નીમો ને તેની પાસે ઈન્સાફ કરાવો. તમારી ભૂલ થઈ ન જ હોય એવો દાવો તમે નહિ કરો.’ આ વિષ્ટિનો સરકારે અનાદર કરવાની ગંભીર ભૂલ કરી લોકોને સત્યાગ્રહ કરવાનો માર્ગ સાફ કરી આપ્યો છે.

પણ સરકાર તો કહે છે કે વલ્લભભાઈ તો પરાયા છે, બહારના છે, પરદેશી છે. તે અને તેમના પરદેશી સાથીઓ જો બારડોલી ન ગયા હોત તો લોકો મહેસૂલ ભરી જ દેત, એવો તેના કાગળનો ધ્વનિ છે. ઊલટા ચોર કોટવાળને દંડે છે. બારડોલી જ્યાં લગી હિંદુસ્તાનમાં છે, ત્યાં લગી વલ્લભભાઈ ને કે કાશ્મીરથી માંડી કુમારિકા લગીમાં અથવા કરાંચીથી માંડી દિબ્રુગઢ લગીમાં રહેનાર હિંદીને બહારના કેમ કહેવાય, તે નથી વલ્લભભાઈ સમજતા કે નથી બીજા કોઈ આપણામાંના સમજી શકવાના. પરદેશી, પરાયા, બહારના તો સરકારના અંગ્રેજી અમલદારો છે; અને વધારે સ્પષ્ટ રીતે કહીએ તો આ પરાયા, બહારની સરકારના બધા અમલદારો, પછી તે કાળા હો કે ધોળા, સરકારનું ‘લુણ’ ખાનારા સરકારનો જ પક્ષ લે. દ્રોણ ભીષ્માદિ જેવાને પણ યુધિષ્ઠિરને જવાબ આપવો પડ્યો : ‘જેનું લૂણ અમે ખાઈ એ છીએ તેના અમે તો કહેવાઈએ.’ આ પરાઈ સરકાર વલ્લભભાઈ જેવાને બારડોલી પરત્વે ‘પરદેશી’ કહે એ કેવી વક્રતા ? ધોળે દીએ અંધારું થયું ગણાય. આવાં જ કારણે મારા જેવાએ સરકારને

પ૭