પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
 


વફાદાર રહેવામાં પાપ સમજી અસહકાર સાધ્યો. જ્યાં અવિનય આટલી હદ સુધી પહોંચે ત્યાં ન્યાયની આશા શી રાખવી ?

આ સરકારને ન્યાય કોણ શીખવે ? કેવળ સત્યાગ્રહી. બુદ્ધિવાદથી સરકાર અપરાજિત છે. બળિયાનું બળ જ તેની બુદ્ધિ હોય છે. તે તલવારની અણીએ ન્યાય જોખે છે. આ તલવાર સત્યાગ્રહની બેધારી તલવાર આગળ બુઠ્ઠી છે. જો બારડોલીના સત્યાગ્રહીઓમાં સત્યનો આગ્રહ હશે, તો કાં તો પંચ નિમાશે, અથવા વલ્લભભાઈની દલીલનો સ્વીકાર થશે, અને વલ્લભભાઈ પરદેશી મટી સ્વદેશી ગણાશે.

બીજો પ્રશ્નો આ પત્રવ્યવહારમાંથી નીકળે છે તેનો વિચાર હવે પછી. બાજી બારડોલીના લોકોના હાથમાં છે એટલું તેઓ યાદ રાખશે તો બસ છે.”