પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯ મું
ખુમારીના પાઠ
 


ઉપર આવી નોટિસોનો સામટો મારો થયો. આ આરંભકાળની કેટલીક પત્રિકાઓ જોવા જેવી છે :

“વાલોડના પચાસસાઠ વાણિયા ખાતેદારો ઉપર નોટિસ છૂટી છે. સરકારે વાણિયાને પોચા માની ઠીક શરૂઆત કરી છે.

સરભણ વિભાગમાં કોઈ ગામમાં મહેસૂલ ભરાયું નથી.

કડોદના કેટલાક વાણિયાએ ખોટી સમજથી રાનીપરજ ભાગમાંની થોડી જમીનના પૈસા ભર્યા છે, પણ તા. ૧૪ મીએ શ્રી. વલ્લભભાઈ અને અબ્બાસસાહેબ ગયા બાદ અસર ઠીક થઈ છે, અને બે દિવસથી મહેસૂલ ભરાતું નથી.

ટીંબરવામાં તલાટીએ વગરમાગ્યો ઉપદેશ લોકોને આપવાની મહેરબાની કરી છે, તે સંવાદરૂપે :

તલાટી — તાલુકો તૂટશે ત્યારે ભરશો તેના કરતાં આજે જ ભરો ને ?

લોકો — એ વાત જ ન કરો. તાલુકો તૂટે તો ભલે, પણ આ ગામ થૂક્યું નહિ ગળે.

તલાટી — અમારું માન ન રાખો પણ મોટો અમલદાર આવે ત્યારે તેમનું માન રાખી ચાર છ આની તો ભરજો.

લોકો — મોટા અમલદારની મોટાઈ અમારે શા ખપની ? હવે તો વલ્લભભાઈસાહેબનો હુકમ થાય ત્યારે જ ભરાય.

બુહારીના અગિયાર વણિક ભાઈઓએ પેતાના ખાતામાંના રૂ. ૫૧૫ મહેસૂલ ભરેલું. તેઓ શ્રી. અબ્બાસસાહેબના ઉપદેશ પછી પસ્તાય છે. ત્યાંના એક વણિક અગ્રેસર કહે છે, હવે વલ્લભભાઈસાહેબને મોઢું બતાવતાં મને શરમ થશે.”

આમ રોજરોજ લડતના વાતાવરણના પારામાપક યંત્રની જેમ પત્રિકાઓ લોકોની પાસે પડતી હતી. સરકારના સામ, દામ, ભેદ, દંડ બધા ઉપાયો એમાં પ્રગટ કરવામાં આવતા હતા, કોઈ મહેસૂલ ભરી આવે તો તે હકીકત પણ ગુપ્ત રાખવામાં આવતી નહોતી.

શ્રી. વલ્લભભાઈનો હજી બારડોલીમાં કાયમનો મુકામ નથી થયો. અવારનવાર તેઓ આવજા કરે છે. લડતની કળાનું જ્ઞાન ધરાવનારા રવિશંકરભાઈ અને મોહનલાલ પંડ્યા જ્યાં ત્યાં પહોંચી જઈ લોકોને શૂર ચડાવી રહ્યા છે. પહેલા જ મહિનામાં બે ‘ઈગતપુરી કનસેશન’ના હુકમ સરકારે કાઢ્યા હતા, જેથી પચીસ ટકાથી

વધારે જેમનું મહેસૂલ વધ્યું હોય તેમને દર પચીસ ટકે બે વરસ

૬૧