પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯ મું
ખુમારીના પાઠ
 


બારડોલી સત્યાગ્રહનાં શ્રી. વલ્લભભાઈનાં ભાષણો તારીખવાર કોઈ લઈને બેસે તો તેને ખબર પડે કે શ્રી. વલ્લભભાઈ કેવી રીતે લોકોની નાડ પારખતા ગયા, અને તેમને પચે એવી દવા વખતોવખત આપતા ગયા અને બદલતા ગયા.

રાનીપરજ લોકો, જેમના ઉપર નાના નાના સરકારી નોકરો પોતાનાં પ્રપંચ અને ધમકી ખૂબ અજમાવતા હતા અને જેમને તેમના શાહુકારો પણ ઠગતાં પાછા ન હઠતા તેમનામાં પણ તેજ આવતું જતું હતું. જ્યાં ખાદીનાં પગલાં થઈ ચૂક્યાં હતાં ત્યાં તો તેજ હતું જ, પણ જેમને ખાદી અને દારૂનિષેધનો સ્પર્શ નહોતો થયો તેમને પણ ખાદીવાળાઓની સંગાથે જોડાવામાં લાભ દેખાવા લાગ્યો. વેડછી ગામમાં આ લોકોની એક સભા થઈ હતી. ગાંધીજીની આગળ ચાર વર્ષ ઉપર ખાદીની પ્રતિજ્ઞા લેનાર અને પોતાનાં કાચ અને પિત્તળનાં અનેક ઘરેણાં ઉતારનાર બાળાઓ અને સ્ત્રીઓ પોતાની સ્વચ્છ જાડી ખાદીની સાડી પહેરી સભ્ય સ્ત્રીઓને આંજે એવી સ્વચ્છતા અને સરળતાભરી સભામાં બેઠી હતી. આ બધી સ્વયંસેવિકાઓ હતી. સત્યાગ્રહનાં ગીતો લલકારતી ગામેગામ ફરવા લાગી, અને લોકોને શૂર ચડાવવા લાગી.

પણ સત્યાગ્રહનાં ગીતોની વાત કરતાં આ પ્રથમ માસમાં જ બનેલી એકબે ઘટનાઓ લખવાનું પ્રાપ્ત થાય છે. સ્થાનિક સ્વયંસેવકો તો વધતા જતા જ હતા, પણ કાઠિયાવાડ અને બીજે સ્થળેથી પણ સ્વયંસેવકોની અરજીઓ આવતી જતી હતી. કાઠિયાવાડથી પહેલી જ ટુકડી એવી આવી કે જેને શ્રી. વલ્લભભાઈ એ પ્રેમથી વધાવી લીધી. એ ટુકડીમાં મૂળ સત્યાગ્રહાશ્રમના અને પછી વઢવાણમાં રાષ્ટ્રીય શિક્ષણનું કામ કરનારા ફૂલચંદભાઈ અને તેમનાં પત્ની ઘેલીબહેન, ભાઈ શિવાનંદ અને રામનારાયણ હતાં. ભાઈ ફૂલચંદે બારડોલી પહોંચતાં પહેલાં જ પોતાનું કામ નક્કી કરી લીધું હતું. રસ્તે આવતાં જ તેમણે ગામઠી ભાષામાં ટૂંકા અને ટચ, તરત મોઢે ચડે એવાં સત્યાગ્રહગીતો તૈયાર કરી રાખ્યાં હતાં. તાલુકામાં આવીને તેમને બીજા ઘણાં બનાવવાની પ્રેરણા થઈ. બસ પછી તો ફૂલચંદભાઈની ભજનમંડળીની દરેક ઠેકાણે

૬૫