પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 


કરવાનો ઠરાવ પણ વિચારમાં આવ્યો. છેલ્લા બે ઠરાવો છોડી દેવાનું સમજાવતાં શ્રી. મોહનલાલ પંડ્યાને મહામુસીબત પડી. પાટીદાર કોમનાં જુદાં જુદાં મંડળોનાં પંચ મળતાં હતાં અને બહિષ્કારના આકરા ઠરાવો થતા હતા. ચાલી રહેલા આ નવા પવનને મર્યાદામાં રાખવાને માટે ગાંધીજીને બહિષ્કારના શસ્ત્ર વિષે નીચે પ્રમાણે સાવચેતીની નોંધ લખવાની ફરજ પડી. આમ વારંવાર ગાંધીજીની સલાહસૂચના તો બારડોલીના સત્યાગ્રહીઓને મળ્યા જ કરતી હતી :

“જેઓ સરકારીવેરો ભરવા તૈયાર થાય છે તેમની સામે બારડોલીના સત્યાગ્રહીઓ બહિષ્કારનું શસ્ત્ર વાપરવા તૈયાર થઈ જતા સાંભળ્યા છે. બહિષ્કારનું શસ્ત્ર જલદ છે, ને મર્યાદામાં રહીને સત્યાગ્રહી વાપરી શકે છે. બહિષ્કાર હિંસક અને અહિંસક હોઈ શકે છે. સત્યાગ્રહીથી અહિંસક બહિષ્કાર જ વપરાય. અત્યારે તો હું બન્ને બહિષ્કારનાં થોડાં દૃષ્ટાંતો જ આપવા ઇચ્છું છું :

સેવા ન લેવી તે અહિંસક બહિષ્કાર. સેવા ન દેવી એ હિંસક હોઈ શકે.

બહિષ્કૃતને ત્યાં જમવા ન જવું, તેને ત્યાં વિવાહાદિના પ્રસંગેામાં ન જવું, તેની સાથે સોદો ન કરવો, તેની મદદ ન લેવી એ અહિંસક ત્યાગ છે.

બહિષ્કૃત માંદો હોય તો તેની સારવાર ન કરવી, તેને ત્યાં દાક્તર ન જવા દેવો, તેનું મરણ થાય તો મરણક્રિયામાં મદદ ન કરવી, તેને કૂવા, મંદિર, વગેરેના ઉપયોગથી દૂર કરવો એ હિંસક બહિષ્કાર છે. ઊંડો વિચાર કરતાં માલૂમ પડશે કે અહિંસક બહિષ્કાર લાંબો સમય નભી શકે છે, ને તે તોડાવવામાં બહારની શક્તિ કામ નથી કરી શકતી. હિંસક બહિષ્કાર લાંબો વખત ન ચાલે, ને તેને તેવામાં બહારની શક્તિનો પુષ્કળ ઉપયોગ થઈ શકે. હિંસક બહિષ્કાર લડતને છેવટે નુકસાન જ કરે છે. આવા નુકસાનના દાખલા અસહકારના યુગમાંથી ઘણા આપી શકાય છે. પણ આ પ્રસંગે મેં ભેદ પાડી બતાવ્યો છે, તે જ બારડોલીના સત્યાગ્રહીઓ અને સેવકોને સારુ બસ હોવું જોઈએ.”

પેલાં પીળાં પતાકડાંની સંખ્યા હવે સેંકડાઓથી ગણાય એટલી થઈ હતી. ભયનું નામ નિશાન ન રહ્યું હોય એમ સૌ કોઈ વર્તતા હતા. રાનીપરજનો માણસ ડેપ્યુટી કલેક્ટર જોવાની સાથે

૭૮