પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 


નહિ ત્યાં સુધી કશી હાકલ કરવાને તૈયાર નહોતા. ‘પહેલાં લડી બતાવો પછી સહાનુભૂતિની આશા રાખો’ એ જ સૂત્ર તેઓ જ્યાંત્યાં સંભળાવતા હતા. હવે સહાનુભૂતિને તેમનાથી પણ ઠેલી શકાય એમ નહોતું. તાલુકાની ત્રણ દિશામાં ગાયકવાડી સરહદ લાગી રહેલી છે, એ વસ્તુ યાદ રાખવાનું પ્રથમ પ્રકરણમાં જ મેં વાચકનું ધ્યાન ખેંચ્યું હતું. બારડોલી આસપાસના બધા ગાયકવાડી તાલુકાઓએ ઠરાવ કર્યો કે સરકાર બારડોલીમાં જપ્તી કરે તેમાં વેઠ કરી, ગાડાં ભાડે આપી, અથવા બીજી કોઈ પણ રીતે મદદ ન કરવી; તથા ખાતેદારોની જમીન ખાલસા કરી વેચે તો તો કોઈએ લેવી નહિ અથવા ખેડવી નહિ. આમ આપોઆપ ગુજરાતનું સંગઠન થતું જતું હતું. રેલ વખતે સંગઠન કંઈ નહતું ? એ જ સંગઠન ક્ષણવારમાં આ બીજી રેલ સામે ઊભું થયું. પણ ગુજરાતબહારથી પણ સહાનુભૂતિ આવવા લાગી. પૂનામાં બારડોલી માટે જ ખાસ સભા કરવામાં આવી હતી, અને સત્યાગ્રહીઓને સફળતા ઇચ્છવામાં આવી હતી. મુંબઈમાં હજી સભા થઈ નહોતી. પણ મુંબઈથી તો નાણાં આવવા લાગ્યાં. ભાઈ મણિલાલ કોઠારી મારફતે ૧,૦૦૦ રૂપિયા આવી ગયા હતા.

પણ આ ઉપરાંત અણધારી દિશામાંથી પણ સહાનુભૂતિ મળી રહી હતી. મુંબઈનું પ્રેસિડંસી ઍસોસિયેશન પણ બેસી નહોતું રહ્યું. એ તો વિનીત પક્ષનું મંડળ રહ્યું, એ સત્યાગ્રહીઓથી દોઢ ગાઉ દૂર ભાગનારા, એમનું પણ બારડોલીએ ધ્યાન ખેચ્યું. એ મંડળે ખાસ બેઠકમાં ઠરાવ કર્યો :

“મુંબઈ સરકાર બારડોલી, શાષ્ટી, અલીબાગ વગેરે તાલુકાઓમાં સરકારી હુકમો દ્વારા મહેસૂલ વધારવાની નીતિ આદરી રહી છે તેને માટે આ મંડળની કાર્યવાહક સમિતિ સખત નાપસંદગી બતાવે છે, અને જણાવે છે કે જમીનમહેસૂલકમિટીએ ભલામણ કર્યા મુજબ આ બાબતમાં આખરી અવાજ તો ધારાસભાનો હોવો જોઈએ; એટલે આ સભા આગ્રહ કરે છે કે મુંબઈ ઇલાકામાં લૅંડ રેવન્યુ કોડનો સુધારો કરી મહેસૂલનો આ પ્રશ્ન ધારાસભાની હકૂમતમાં ન મુકાય ત્યાં સુધી મહેસૂલ વધારવાનું બંધ કરવું.”

એ તો ‘રાજમાન્ય’ મંડળ રહ્યું એટલે એમાં બારડોલીના સત્યાગ્રહીઓનું નામ શી રીતે આવે ? પણ સત્યાગ્રહીઓને

૮૪