પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨ મું
૧૯૨૧ની યાદ
 


સત્યાગ્રહ ઉપર મુંબઈ પ્રેસિડંસી ઍસોસિયેશનની પસંદગીનો સિક્કો નહોતો જોઈતો, તેમને તો ન્યાય જોઈતો હતો. પ્રેસિડંસી ઍસોસિયેશને પોતાની રીતે બારડોલી માટે ન્યાય માગ્યો.

પણ સરકારે આથી ચેતવાની ના પાડી. સરકારે તો પોતાનો કક્કો ખરો છે એ જ મનાવવાના મિથ્યા પ્રયત્નો શરૂ કર્યા. ધારાસભામાં કોઈને આમ સમજાવ્યા, કોઈને તેમ સમજાવ્યા, અને મિ. નરીમાનના ઠરાવ વિરુદ્ધ ૪૪ મત મેળવ્યા તેની સરકારે ઠેરઠેર જાહેરખબર ચોડવા માંડી. ધારાસભાના ભારે બહુમતથી થયેલા ૧૯ર૪ અને ૧૯ર૭ ના ઠરાવોને ગળી જનારી સરકાર આજે ધારાસભાને અઠિંગીને પોતાનો કક્કો ખરો છે એમ સિદ્ધ કરવા મંડી. એ જાહેરખબર સમજાવવામાં જૂઠાણાંનો આશ્રય લેવામાં પણ નાના અમલદારો ચૂકતા નહોતા.

રાજા અને પ્રજાના લડતના રસ્તા ન્યારા રહ્યા. એક બાજુ લડતમાં બધું થઈ શકે એ ન્યાયથી સરકાર લડે છે, બીજી બાજુ ગમે તે સંજોગોમાં પણ ખોટું ન થાય એ ધ્રુવતારાને વળગી શૂરી પ્રજા લડે છે. સરકારના આડતિયાઓની જાહેરમાં કામ કરવાની હિંમત શેની ચાલે ? માત્ર કાયદા પ્રમાણે જપ્તી તો જાહેરમાં જ થઈ શકે, એટલે તેટલું જાહેર કરવામાં આવે. બાકી લોકોને ફોસલાવવા, ફોડવાના પ્રયત્ન કરવા, ધમકીઓ આપવી, ખોટી સમજ પાડવી એ જ તેમના માનીતાં સાધનો. ‘ફલાણા ભાઈએ પૈસા ભરી દીધા, તમે કેમ હજી બેઠા છો, હવે તો ભર્યે જ છૂટકો,’ કહીને તેઓ ભોળી રાનીપરજને ભોળવે. મહાલકરી પટેલને કહે, ‘વેઠિયાઓ ન લાવી આપે તો તારે વેઠ કરવી પડશે.’ કોઈ તલાટી બિચારા ધોબીના હપ્તાના થોડા આના પોતાના ખિસ્સામાંથી ભરી દે — એ આશાએ કે પેલાની પાસે કપડાં ધોવડાવીને તેટલું તો વસૂલ થશે.

આથી ઊલટું પ્રજાના રસ્તા ન્યારા હતા. પ્રજાની એકે પ્રવૃત્તિ ચોરીછૂપીથી થતી નહોતી — ભાષણો થાય તો સરકારને રિપોર્ટ મળે તે પહેલાં છપાય, લોકોને ધોળે દહાડે સમજાવવામાં આવે, સભામાં સરકારી લોકોને પણ આમંત્રણ આપવામાં આવે.

૮૫