પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સત્યવીર શ્રદ્ધાનંદ

૮૬


મારાં બીજાં બધાં બચ્ચાંને લઈને મારી ભાભી તલવન ચાલી ગઈ અને પુત્ર હરિશ્ચંદ્રને લઈને મેં સાર્વજનિક જીવનનો રસ્તો લીધો.

માંસભક્ષણની વિરૂદ્ધ ઉગ્ર યુદ્ધ લડતો લડતો હું ઘૂમવા લાગ્યો. એ મત પરત્વે આર્યસમાજમાં બે પક્ષ પડી ગયા. અને જે પાપ આજ સુધી ગુપ્ત ચાલતું હતું તે પ્રગટ બની પોતાનો પ્રચાર કરવા લાગ્યું. એમ કરતાં આખા પંજાબના આર્યસમાજની પ્રતિનિધિસભાના પ્રધાનપદે મારી ચૂંટણી થઈ, તે વખતથી મારૂં જીવન મારૂં પોતાનું ન રહ્યું, એ જીવન સાર્વજનિક બની ગયું, અને તેથી જ હું મારી જીવનયાત્રાની બીજી મજલને અહીં જ સમાપ્ત કરૂં છું. હું એને આશ્રમ નથી કહેતો કેમકે બ્રહ્મચર્યાશ્રમની સાથે તો મારે સ્પર્શ સરખો યે નહોતો થયો. તેમ વળી ગૃહસ્થાશ્રમ પણ વેદ ધર્મના નિયમાનુસાર મેં નથી પાળ્યો. હા, આ પૂર્વે મેં વાનપ્રસ્થાશ્રમમાં પ્રવેશ કરવાની તૈયારી આરંભી દીધી હતી. અને નવ વર્ષ એ તૈયારીમાં વીતાવ્યા પછી કેવી રીતે મેં વાનપ્રસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો તથા એ આશ્રમ-ધર્મના પાલનમાં મને ક્યાં ક્યાં ઠોકરો લાગી તેના વર્ણનનો સમય હજુ નથી આવ્યો. એટલે પછી ચોથા આશ્રમમાં (સંન્યસ્તમાં) પ્રવેશ કરવાનું વર્ણન તો હજુ ઘણું ઘણું દૂર છે.

આત્મકથાની પૂર્ણાહૂતિ