પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૫

રાષ્ટ્રીય શિક્ષણનો પિતા


ઉકાળી ઉકાળી ગુલામી અને કારકુનીનાં બીબામાં રેડીને એમાંથી નિષ્પ્રાણ પ્રજા તૈયાર કરવામાં આવતી હતી. મુન્શીરામે ખુદ પોતાના જ પુત્રોને એ કેળવણીના ભક્ષ બનતા દીઠા. અને બીજી બાજુ આખા આર્યસમાજનું અંતર ચાલુ શિક્ષણ-પદ્ધતિ સામે સંક્ષુબ્ધ હતું, અને મહર્ષિ દયાનંદે કલ્પેલા શિક્ષણના આદર્શોને આચરણમાં ઉતારવા તલસતું હતું, પરિણામે લાહોરમાં 'દયાનંદ એંગ્લો વેદિક કેાલેજ'ની સ્થાપના થઈ. પરંતુ ૧૮૯૧માં એ કોલેજના ચાલકો વચ્ચે ઉગ્ર મતભેદ ફાટી નીકળ્યો. પ્રશ્ન એ હતો કે શિક્ષણક્રમમાં પ્રધાનપદ કોને આપવું ? અંગ્રેજી અને વિજ્ઞાનને? કે વેદના અધ્યયનને ! મુન્શીરામજીએ મત પોકાર્યો કે ધાર્મિક જીવન–સુધારનું જે મહાન આંદોલન આપણે સમાજમાં લઈ આવવું છે, તે બાલકોના જીવનમાં વેદોને વણી દીધા સિવાય આવવાનું નથી; સામા પક્ષે આ મત ધરાવનાર મુન્શીરામજીને તથા તેમના સાથીએાને ધર્મઘેલડા કહી કોલેજની વ્યવસ્થામાંથી બાતલ કર્યા એટલે એ ચૌદ જણાની નાની સેનાએ શપથ લીધા કે તક્ષશીલાની પ્રાચીન વિદ્યાપીઠના આદર્શ પ્રમાણે એક નિરાળી સંસ્થા સ્થાપવી મુન્શીરામજીએ અનુભવ વિના, પણ ભાવનાની વેધક દૃષ્ટિ વડે પ્રાચીન બ્રહ્મચર્યાશ્રમોની શિક્ષણ-પ્રણાલીને સજીવન કરવાની એક યોજના ઘડી અને એના જ મસ્તક પર એ મંડળીએ નવા શિક્ષણના નિર્માતા તરીકેનો કળશ ઢોળ્યો. પ્રારંભિક ખર્ચને પહોંચી વળવા માટે જ રૂ. ૩૦ હજારની જરૂર હતી. એ બીડું