પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સત્યવીર શ્રદ્ધાનંદ

૯૬


પણ મુન્શીરામજીએ જ ઝડપ્યું. ૩૦ હજારમાં એક દુકાની પણ ઉણી રહે ત્યાં સુધી પોતાના ઘરમાં પગ ન મૂકવાની એણે પ્રતિજ્ઞા લીધી અને ઝોળી ઉપાડીને એ ભિક્ષુક ચાલી નીકળ્યા.

લુધીઆનાની એક મોટી દુકાન સામે ઊભો રહીને એ ભિક્ષુક અહાલેક પુકારે છે : કેવળ એકલો જ એ ઊભો છે : વસ્ત્રો પર ધૂળના થર બાઝ્યા છે : પગ ઉઘાડા છે : માથાના અને દાઢીમૂછના વાળ અસ્તવ્યસ્ત વધી ગયા છે : દુકાનદારો આ દિવાનાની સામે જોઈને હસે છે. પણ 'મહારાજ ! આગલી દુકાને જાઓ !' એટલું કહેવા જાય તે પહેલાં તો દુકાનદાર એની આંખોની જ્યોત નિહાળી થંભી જાય છે. ચુપચાપ પોતાની કોથળીમાંથી દસ રૂપિયા લાવીને અતિથિની ઝોળીમાં ધરી દે છે. 'ઈશ્વર તમારૂ કલ્યાણ કરે !' એટલો જ આશીર્વાદ દઈ એ મુંગો અતિથિ આગળની દુકાને ચાલ્યો જાય છે.

એવા વેશમાં મુન્શીરામ છ મહિના ભટક્યા ત્રીસે હજારની આખી રકમ ઉઘરાવી કાઢી. સુરેન્દ્રનાથ બેનરજી સમા વયોવૃદ્ધ અને દેવતુલ્ય નેતાને પણ જે સમયે બસો–પાંચસોથી વધુ ફાળો નહોતો મળતો, તે વખતે મુન્શીરામજીને મળેલો આ વિજય અસાધારણ લેખાયો. એ ફળ દેનારી એની તપશ્ચર્યા જ હતી.

રૂપિયા તો મળ્યા, પણ કાર્યકરોનો પ્રશ્ન સામે આવી