પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સત્યવીર શ્રદ્ધાનંદ

૯૮


સંતતિહીન જમીનદારે પોતાની પત્નીના ધર્મભાવથી પ્રેરાઈને ખેરીઅત દીધેલા એ નવ[૧] સો એકરના આખા કાંગડી ગામ પર – જેની ઝાડીઓમાં વાઘ ગર્જતા અને ચોમાસે જ્યાં પહાડમાંથી હાથીઓ ઊતરીને જળક્રીડા રમવા આવતા – તે પર મુન્શીરામજીનો આત્મા ઠર્યો. ત્યાં એણે પોતાની ધર્મજ્વાલા પેટાવી. પોતે વાંચેલું હતું કે વિજ્ઞાનશાસ્ત્રીઓએ પૃથક્કરણ કરીને ગંગાના પાણીમાં પ્લેગ તથા કોલેરાનાં જંતુઓનો નાશ કરવાની શક્તિ શોધી છે. એટલે સને ૧૯૦૨માં – એટલે કે સં. ૧૯૫૮ના ફાગણ વદ ૧૪ ને દિવસે, સાંજે ચાર વાગે એ ત્યાગીએ પોતાનાં ઘરબાર છોડી, ૫૩ બ્રહ્મચારીઓ સાથે એ ભૂમિ પર પગ દીધો, અને કાંગડી ગુરૂકુલનાં તોરણ બંધાયાં. વેદકાલના ઋષિ-આશ્રમનું સ્મરણ કરાવતા એ ગુરૂકુલમાં હિન્દી સંસ્કૃતિનું જ શિક્ષણ, માતૃભાષાનું જ શિક્ષણવાહન, સંસ્કૃત સાહિત્યનું જ પ્રેરણાસેવન અને એકેશ્વરવાદી વેદધર્મ અંગીકાર થયો. છતાં પશ્ચિમની વિદ્યા સામે બારણાં બીડી ન દેવાયાં. દસ વર્ષની ઉમ્મરે બાલક દાખલ થઈ શકે અને પચીસમે વર્ષે પરિપકવ બનીને જ બહાર નીકળી શકે, ગરીબી અને બ્રહ્મચર્યનાં વ્રત ધારણ કરે, એવો કડક નિયમ રખાયો.

મુન્શીરામજી એ ગુરૂકુલના “ગવર્નર” નિમાયા. પ્રથમથી જ પોતાનું રૂ. ૮૦૦૦નું મુદ્રણાલય તો એણે અર્પણ કરી


  1. *પહેલી આવૃત્તિમાં “એક સો નવ” ભૂલથી લખાયું છે.