પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સત્યવીર શ્રદ્ધાનંદ

૧૨૦


ચૌટે અને માર્ગે માર્ગે મશીનગનો, ભરેલી બંદૂકો અને દારૂગોળાના રેંકડા ગોઠવી દીધા હતા. એક જ ઇસારો થતાં લોકોના દેહમાં પરોવાઈ જાય તેવા કાતિલ સંગીનો કતલના હુકમની રાહ જોતાં, અનેક કાળા ગોરા સૈનિકોના હાથમાં તત્પર બની ચમકતાં હતાં. ઈંદ્રપ્રસ્થ ઊથલી જવાના ભયની એ ભયાનક તિથિ હતી.

તે તિથિએ દિલ્હીનો એ બિનતાજ બાદશાહ, સંન્યાસી શ્રદ્ધાનંદ, બોડે માથે, ઉઘાડે પગે અને ભગવો અંચળો ફરકાવતો, પોતાના દિશાગજવતા બુલંદ અવાજે મૂંગા સમર્પણના મંત્રો છેડતો, લાખો માનવીઓની વચ્ચે માચડા ઉપર શોભે છે. સરકારી અન્યાયના જખમ વાગતાં ઘવાઈને અર્ધ પશુ જેવી સ્થિતિમાં આવી પડેલી એ પ્રજાને સંન્યાસી 'અહિંસા'નો આદેશ સંભળાવી ઉચ્ચ બલિદાનની મનોદશા પર ચડાવતા ઊભા છે. રાજસત્તાની મનાઈના સીમાડા લોપતો એ માનવ-સાગર જાણે કે પોતાને મોખરે કોઈ જળદેવતાના હુકમો સાંભળીને ઊમટતો હોય તેમ આજે પાયતખ્ત હસ્તિનાપૂરને બોળી દેવા હલક્યો છે. મોખરે રૂદ્રરૂપી શ્રદ્ધાનંદ : અને પાછળ દરિયાનાં મોજ સમી છલકાતી માનવ-સેના : એક જ આત્માનો લાખો જીવાત્મા પર લાગી ગયેલો ધર્મઅંકુશ : અને એ મહિમાવંત સવારી ચાલી જાય છે. આવી તો કોઈ પાદશાહની પણ સવારી ઇંદ્રપ્રસ્થને ટીંબે કદી નહિ નીકળી હોય. એ હતું મશીનગનના ભોગ બનેલાઓનું શોક સરઘસ.