પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૧

રાજદ્વારે સન્યાસી



અચાનક એક સરકારી સૈન્ય આવીને આ સંન્યાસી- સમ્રાટનો રસ્તો રૂંધે છે. બે બંદૂકોની નળીઓ એ ધર્મસેનાની સામે લાંબી થાય છે. સંગીનો વીંધી નાખવા માટે આગળ વધે છે અને સરકારનો સેનાપતિ લાલઘૂમ ચહેરે, ખુન્નસભર્યા નેત્રે હાકલ કરે છે કે 'પાછા ફરો નહિ તો ઠાર થશો !'

સંન્યાસી વીરે પોતાની સેનાને શાંતિપૂર્વક આદેશ દીધો કે 'પરવા નહિ; ચુપચાપ આગળ વધો.'

સરકારી ફોજના જીવલેણ આદેશની સામે આવો હુકમ આપનાર બેમાથાળો માનવી શું જીવતો આગળ કદમ ભરી શકે ? અગીઆર ગુરખા સૈનિકોનાં નાગાં સંગીનો આગળ થયાં અને આગળ ડગલું માંડતા એ પહાડ સરખાં પુરુષસિંહની છાતી સામે, કાળની લસલસતી જીભો હોય તેવાં એ સંગીનો ચકચકવા લાગ્યાં.

સંન્યાસીનો એક જ શબ્દ-અને દિલ્હીના ચાંદની ચોકમાં તે દિવસે લોહીની નદીઓ વહી હોત. પોતાના સરદારની અાંખના પલકારા ઉપર પણ મીટ માંડી રહેલી લાખો અાંખોમાંથી તે દિવસ એક જ દૃષ્ટિપાતનો તણખો પડતાં એક દાવાનળ ફાટી નીકળત. પણ સંન્યાસીએ શાંતિ ગુમાવી નહિ. પોતાની સામે જાણે કે ફૂલોની બિછાત પથરાઇ હોય, તેમ માનીને એણે આગળ કદમ મૂક્યો.

ગુરખાનાં કાતિલ સંગીનો પોતાનું ધૈર્ય ગુમાવી બેઠાં.