પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સત્યવીર શ્રદ્ધાનંદ

૧૨૪


માગી લીધું કે લશ્કર અને પોલિસનો દમામ દેખાડતા નહિ.' ગવર્નરનું કલેજું ફફડતું હતું. એણે પૂછ્યું કે 'દેશને ખૂણેખૂણેથી પંદર હજાર પ્રજાજનો એકઠાં થઈ જલીઅાંવાલા બાગની શોણિતભીની જગ્યા પર ઊભાં રહેશે ત્યારે તેઓ ઉશ્કેરાઈને શું નહિ કરે ?' સંન્યાસીએ કોલ આપ્યો કે 'હું એને શાંત રાખીશ.' અને ગવર્નરે મંજૂરી આપી.

પરંતુ મદ્રાસ, કલકત્તા અને મુંબાઈના હજારો પ્રતિનિધિઓને ઉત્તર હિન્દની કાતિલ ઠંડીમાંથી રક્ષિત રાખવા માટે અમૃતસરમાં પાકી ઈમારતો કોઈ આપતું નથી. તંબૂમાં રાખવાથી તેઓ ટાઢ સહન કરી શકે તેમ નથી. પાકાં મકાનોના માલેકો, લશ્કરી દોરના ભોગ થઈ પડેલા રાજદ્વારી અતિથિઓને ઉતારો આપી સરકારની ખફગી વહોરવા માગતા નથી. શ્રદ્ધાનંદ મુંઝાઈને બેઠા છે.

એમાં બીજો અકસ્માત બન્યો. અધિવેશન પહેલાં એક જ પખવાડીએ મહાસભાનો મંડપ ઊભો થવા લાગ્યો. અને એક જ અઠવાડિયું કામ ચાલ્યા પછી ધોધમાર વરસાદ મંડાયો. ત્રણ વાર એ મંડપ માટે ખોદેલ ખાડો પાણીથી ભરાઈ ગયો. અને ત્રણ વાર સંચાથી પાણી ઉલેચ્યું. પરંતુ જે દિવસે એ મંડપ છેવટને માટે ખડો કર્યો, ને બીજી બાજુ પ્રતિનિધિઓની બાર સ્પેશ્યલ ગાડીઓ જે દિવસ આવીને ઊભી રહેવાની હતી, તે દિવસ છેલ્લા ૪૦ વર્ષથી નહોતો દીઠો એવો ભારી વરસાદ અમૃતસરમાં તૂટી પડ્યો.