પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૧૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સત્યવીર શ્રદ્ધાનંદ

૧૩૬


મદદ દીધી, પણ ચૌરીચૌરાની હત્યાને લીધે રાજકારણી પ્રજાસંગ્રામ સંકેલાઈ ગયો તેના પરિણામમાં નવરાં પડેલાં લોકબળો કોમી ઝઘડાને પંથે પળ્યાં, પ્રજાના પ્રાણ પરથી એકતાનું તકલાદી રેવણકામ ઉખડી ગયું. ડગલે અને પગલે હિન્દુઓ પર દબડામણ ચાલી, મુસ્લિમો હિન્દુઓને વટલાવી જાય તે મંજૂર, પણ હિન્દુઓ એ વટલેલાઓને રાજીખુશીથી પાછા અપનાવે તો તે ઈસ્લામ સામે ગંભીર અપરાધ: મુસલમાનો ચાહે તેટલાં અને ચાહે ત્યાં વાજીંત્ર બજાવે, ગાયો કાપે, તે મંજૂર; પણ હિન્દુની દેવસ્વારીની ઝીણી ટોકરી સુદ્ધાં જો મસ્જિદની પાસે બજાવાય તો તેમાં નમાજનો ભંગ: અરે, મહાત્મા ગાંધીને પણ કાફર તરીકે જહન્નમને સ્વાધીન કરી ઈસ્લામ અંગીકાર કરવાનાં આમંત્રણ: એવે એવે અનેક માર્ગે કોમી ઝનૂનનાં ખંજર ચમકવા લાગ્યાં. મોપલાઓએ તો મલબારમાં કાળો કેર વર્તાવ્યો. છતાં તે અકથ્ય અત્યાચારો સામે પણ મુસ્લિમ અગ્રેસરોનો કશો સબળ અવાજ ન ઊઠ્યો પાશવતા પ્રસરતી અને હદ કુદાવી જતી દેખાઈ.

એ પાશવતાના પરિબળ સામે આ હિન્દુજાતિને સ્વામી શ્રદ્ધાનંદે લાચાર અને દયામણી શિકલે રડતી નિહાળી. એણે જોયું કે પૂર્વનાં તેમ જ અત્યારનાં હજારો બલાત્કારે વટલાયેલાં કુટુંબો પોતાના પ્રિય હિન્દુ ધર્મમાં પાછાં વળવા તલસે છે, પણ સ્થિતિચુસ્તતાના ઘેનમાં ચકચુર પડેલી હિન્દુવટ તેઓને સંઘરવા ના પાડે છે. ખ્રિસ્તી ધર્મને