પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૧૫૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૭

હિન્દુવટને હાકલ


અને ઈસ્લામને એણે વટલાવવા ઊભેલા દીઠા. અને એણે શુદ્ધિની પ્રવૃત્તિ ઉપાડી. હજારો મલકાના રજપૂતોને માટે હિન્દુવટનાં બંધ બારણાં ઉઘાડાં મૂકી દીધા. ફસાવીને, ફોસલાવીને, ડરાવીને કે લાલચ દઈને એણે કોઈને શુદ્ધિમાં નથી બોલાવ્યા. એની જુંબેશ આક્રમણકારી – જોરજુલમની નહોતી, પણ કેવલ રક્ષણકારી – રાજીખુશીની હતી.

પરંતુ કેવળ શુદ્ધિની જ ચળવળથી હિન્દુ જાતિ ઉગરી જાય તેમ નહોતું. નિષ્પ્રાણ અને કુસંપીલી એ ર૩ લાખની કોમમાં જીવન ફુંકવાની જુંબેશ તો ચતુરંગી હતી. એક તરફથી શુદ્ધિ, બીજી તરફથી સંગઠન, ત્રીજી દિશામાંથી અંત્યજ-ઉદ્ધાર અને ચોથી બાજુ કુરૂઢીઓ તથા કુરિવાજોનું ખંડન: એમ સ્વામીજીની ચતુરંગી વ્યૂહરચના ચાલી. હિન્દુ મહાસભાનો શંખ ફુંકાયો. માયકાંગલાં હિન્દુ શરીરો ચાહે તેના તિરસ્કાર, અપમાન અને માર ખાતાં હતાં, તેને બદલે અખાડામાં જઈ કસરત કુસ્તી વડે વજ્રાયુધો જેવાં બનવા લાગ્યાં. હિન્દુ જાતિનાં છેદાયેલાં અંગો એકત્રિત થઈ આત્મરક્ષણના ઈલાજો નહિ ધરે તો તે જાતિ હતી ન હતી થઈ જશે, તેવી ચોક્કસ ચેતવણીના સ્વરો વાતાવરણમાં ગાજી ઊઠ્યા. આ બધી તૈયારી માત્ર આત્મરક્ષણની હતી. ઝનૂની મુસ્લિમ ને કાયર હિન્દુ વચ્ચેની બનાવટી મૈત્રીને બદલે બન્નેએ સબળ બનીને સમોવડીઆની મૈત્રી બાંધવાનો આ આશય હતો.